સુરત શહેરમાં ગઈકાલે સિટીલાઈટ વિસ્તારમાં અમૃતયા સ્પામાં મોડીરાત્રે આગ લાગતા બે યુવતીઓના મોત થયાનું સામે આવ્યું છે. આગ જીમ સુધી પહોંચી જતા જીમ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનામાં અન્ય ૩ યુવતીઓનો બચાવ થયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરતમાં શિવપૂજા અભિષેક નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં એકાએક આગની ઘટના બનવા પામી હતી. જેમાં કામ કરતી બે યુવતીનું ગૂંગળામણના કારણે મોત થયું હતું. સ્પામાં કામ કરતી મનીષા અને અનિશા નામની બે યુવતીઓના મોત નિપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંને યુવતીઓના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મૃતક યુવતીઓ નોર્થ ઇસ્ટની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં સુરત ફાયર કંટ્રોલ વિભાગ દ્વારા ૧૫ થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ સ્પા સેન્ટરમાં પ્રવેશી ત્યારે બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે યુવતીઓને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું કારણ સામે આવ્યું છે.