શહેર સહિત આખા રાજયમાં ચર્ચાસ્પદ બનેલા ૨૩ વર્ષીય શિક્ષિકા અને ૧૧ વર્ષના વિધાર્થીના કિસ્સામાં મસમોટા ખુલાસા થયા છે. આ કેસમાં પુણા પોલીસે ચાર દિવસની બાદ બુધવારે સવારે બંનેને ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર રતનપુર પાસેથી ચાલુ બસને આંતરી ઝડપી લીધા છે. પહેલા બંનેને પરિવારના ઠપકાથી ઘર છોડયાની વાત કરી હતી. જાકે, પોલીસની કડક પૂછપરછ બાદ તેમની વચ્ચે એક વર્ષથી પ્રેમસબંધ હોવાની અને અનેકવાર શરીર સબંધ બંધાયાની પણ ચોંકાવનારી કબૂલાત કરી છે. આ વિદ્યાર્થીની ઉંમર ૧૧ નહી પણ ૧૩ વર્ષની હોવાનો પણ ખુલાસો થયો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના પરવત પાટીયા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના કરિયાણાની દુકાનદારના ૧૩ વર્ષના પુત્રનું તેની જ સ્કૂલના ટીચર અને તે જેને ત્યાં ટયુશન કરવા જતો હતો તે શિક્ષિકા માનસી રજનીકાંત નાઈએ અપહરણ કર્યાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ શિક્ષિકા મૂળ મહેસાણાની અને હાલ વિદ્યાર્થીના ઘર પાસે જ રહેતી હતી. પોલીસે મહિલા શિક્ષિકા વિરુદ્ધ પોક્સો લગાવ્યો છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે જુદી-જુદી ટીમો બનાવી હતી. પોલીસની તપાસ દરમિયાન માનસીનો અન્ય મોબાઈલ નંબર ચાલુ હતો. જેના આધારે પોલીસે લોકેશન ટ્રેસ કરીને તેમને ગુજરાત રાજસ્થાન બોર્ડરના રતનપુર પાસેથી પકડી પાડ્યા હતા. પોલીસે આ લોકોને ચાલુ બસને આંતરીને ઝડપી લીધા હતા. બાદમાં પોલીસ તેમને લઈને સુરત આવી હતી અને તેમની પુછપરછ કરતા માનસીએ પરિવારે ઘરકામ બાબતે ઠપકો આપે છે તેમ જણાવ્યુ હતુ. જેમ જેમ પોલીસની તપાસ આગળ વધી તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. બંને સુરતથી વડોદરા, અમદાવાદ, દિલ્હી, વૃંદાવન, જયપુર ગયા હતા અને તે દરમિયાન વડોદરામાં રોકાયા ત્યારે ફરી સંબંધ બાંધ્યો હતો.