સુરતના પાંડેસરામાં તસ્કરો બેફામ બન્યા છે અને દિવાલમાં બાકોરું કરીને તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે. તસ્કરોએ જ્વેલર્સની દુકાનની બાજુમાં આવેલા પગથિયાના ભાગેથી બાકોરું પાડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તેમજ ૧૫ લાખ ૨૫ હજાર રૂપિયાની કિંમતનાં ઘરેણાં અને ૮૦ હજાર રૂપિયાની રોકડ સહિત ૧૬ લાખની મત્તાની ચોરી કરી હતી.
પાંડેસરાના ભેસ્તાન ખાતે આવેલ ચોકસી કીર્તિકુમાર ચંદુલાલ શાહ નામની જ્વેલર્સ દુકાનમાં લાખોનો હાથફેરો કરવામાં આવ્યો. પાંડેસરા વિસ્તારમાં છેલ્લાં ૨૪ કલાકમાં બનેલી હત્યા, હત્યાનો પ્રયાસ અને લાખોની ચોરીની ઘટના એમ ત્રણેય ઘટનાઓને લઈને પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ. લાખોની ચોરીની ઘટનામાં પાંડેસરા પોલીસે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ રીતે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાજુની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સની દુકાનમાં ચોરી કર્યાની ઘટના બની હતી. જેમાં ચાંદખેડામાં આવેલા એક જવેલર્સમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
ચોરીના ઈરાદે આવેલા કેટલાંક શખ્સોએ જ્વેલર્સની બાજુમાં આવેલી દુકાનનું શટર તોડી દિવાલમાં બાકોરું પાડ્યું હતું અને જ્વેલર્સમાં રાખવામાં આવેલા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવતા સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.