પલસાણા તાલુકાના ચલથાણ ગામે ગત ૧૭મી તારીખે સર્જાયેલી ગેસ લીકેજ અને બ્લાસ્ટની ભયાનક ઘટનાએ આજે અત્યંત કરુણ વળાંક લીધો છે. બંધ ઘરમાં આખો દિવસ ગેસ લીક થયા બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલા ૬ પૈકી ૩ વ્યક્તિઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે.
મૃતકોમાં ઘર માલિક, પાડોશી મહિલા અને એક નિર્દોષ બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધજાગરા ઉડાવતા ગીચ અને વેન્ટલેશન વગરના ભાડાના રૂમો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ચલથાણની ખુમાનસિંહ વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં નીરજ શ્રીકાંત મિશ્રા (ઉ.વ. ૪૦) રહેતા હતા. ગત ૧૭મી તારીખે સવારે રસોઈ બનાવ્યા બાદ તેઓ અજાણતા ગેસ ચાલુ મૂકીને નોકરી પર નીકળી ગયા હતા. આખો દિવસ બંધ ઘરમાં ગેસ લીક થતો રહ્યો હતો. રૂમમાં હવા-ઉજાસ કે વેન્ટલેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગેસ બહાર નીકળી શકયો ન હતો અને આખું ઘર વિસ્ફોટક ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હતું.
સાંજે નીરજ મિશ્રા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે પાડોશી મહિલા દુર્ગાવતી દેવી (ઉ.વ. ૩૮) એ તેમને ગેસની દુર્ગંધ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવચેતી રાખવાને બદલે જેવો ઘરનો દરવાજા ખોલીને લાઈટની સ્વચ ચાલુ કરી, કે તરત જ ઇલેક્ટ્રિક સ્પાર્ક થતા ઘરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે નીરજ મિશ્રા સહિત બહાર ઉભેલા પાડોશી દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝી ગયેલા તમામ ૬ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાકે, નસીબને કાંઈક બીજું જ મંજૂર હતું. ટૂંકી સારવાર દરમિયાન ૩ લોકોએ દમ તોડી દીધો, જેમાં ઘર માલિક નીરજ શ્રીકાંત મિશ્રા (ઉ.વ. ૪૦), ૩૮ વર્ષીય દુર્ગાવતી અજયકુમાર યાદવ (પાડોશી) અને તેના દિકરા અનુજનો સમાવેશ થાય છે. હાલમાં અન્ય ૩ બાળકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમના માટે સ્થાનિકો પ્રાર્થના કરી રહ્યા છે.
“ઘટનાની જાણ થતા જ કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા, જેમાંથી ત્રણના મોત નીપજ્યા છે. હાલ પીએસઆઇ જે. ડી. મીર આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.”