સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડને લઈ માહિતી સામે આવી છે. ગૃહવિભાગના આદેશ પછી ગ્રીષ્મા હત્યા કેસની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે. માહિતી મુજબ, ડોક્યુમેન્ટરી માટે ચાર દિવસ સુધી હત્યાના ઘટના સ્થળે શૂટિંગ કરાશે. જણાવી દઈએ કે, સુરતના પાસોદરામાં ૨૧ વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની આરોપી ફેનિલ ગોયાણી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.
સુરતના પાસોદરામાં ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ એક હચમચાવે એવી ઘટના બની હતી. એકતરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનિલ ગોયાણીએ ૨૧ વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ કેસમાં ત્વરિત અને કડક કાર્યવાહી કરવાના પોલીસને આદેશ આપ્યા હતા. આ હત્યાકાંડમાં પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરીને આરોપી ફેનિલની ધરપકડ કરી ૨૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં કોર્ટે ઘટનાના માત્ર ૭૩ દિવસમાં જ તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી ફેનિલ ગોયાણીને દોષી જાહેર કર્યો હતો અને ફાંસીની સજા ફટકારી હતી. જા કે, ગ્રીષ્માની હત્યા કર્યાં પછી ફેનિલે પણ ઝેરી દવા પી આપઘાત કરવાનું નાટક કર્યું હતું. જણાવી દઈએ કે, સુરતના ગ્રીષ્મા હત્યાકાંડની હવે ડોક્યુમેન્ટરી બનવા જઈ રહી છે. ગૃહવિભાગના આદેશ બાદ આ ડોક્યુમેન્ટરી બનાવાઈ રહી છે. આ માટે ચાર દિવસ સુધી હત્યાના ઘટના સ્થળે શૂટિંગ કરાશે. જ્યારે ડિરેક્ટરો પોલીસ સ્ટાફની મદદથી સ્થળ વિઝિટ પણ કરી છે. આ ડોક્યુમેન્ટરીમાં ઘટના, કેસની ટ્રાયલ દર્શાવાય તેવી શક્યતા છે.