કતારગામ વિસ્તારમાં રહેતા એક દંપતીએ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)માં ઊંચા પગારની સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા ૩૨ લાખની છેતરપિંડી કરી છે. નકલી આઈડી કાર્ડ અને જાઈનિંગ લેટર તૈયાર કરીને આ દંપતીએ ફરિયાદીને પૂર્ણ વિશ્વાસમાં લીધો હતો. જ્યારે ફરિયાદી ઓએનજીસીના ગેટ પર પહોંચ્યો ત્યારે સિકયુરિટીએ નકલી આઈડી કાર્ડ પકડી પાડતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું.
મળતી વિગતો અનુસાર, કતારગામ વિસ્તારના નિર્મલ ધાનાણી અને તેમની પત્ની કિંજલ ધાનાણીએ ફરિયાદીને ઓએનજીસીમાં કાયમી નોકરીનું વચન આપ્યું હતું. વિશ્વાસ જીતવા માટે આ દંપતીએ ઓએનજીસીના અધિકૃત લેટરપેડ જેવા દેખાતા બોગસ જાઈનિંગ લેટર અને આઈડી કાર્ડ તૈયાર કરીને ફરિયાદીને આપ્યા હતા. આ તમામ દસ્તાવેજા બનાવવાના નામે તેઓએ ટુકડે-ટુકડે કુલ ૩૨ લાખ રૂપિયા વસૂલી લીધા હતા.
ફરિયાદી જ્યારે નવું આઈડી કાર્ડ લઈને ઓએનજીસી કંપનીના ગેટ પર નોકરી પર હાજર થવા પહોંચ્યો ત્યારે સિકયુરિટી સ્ટાફને આઈડી કાર્ડમાં શંકા જાગી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ આઈડી કાર્ડ સંપૂર્ણપણે નકલી છે અને ઓએનજીસી કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો જાઈનિંગ લેટર કે આઈડી કાર્ડ જારી કરવામાં આવ્યો નથી. આ જાણવાથી ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે તાત્કાલિક રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
રાંદેર પોલીસે નિર્મલ ધાનાણી અને તેમની પત્ની કિંજલ ધાનાણી સામે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અનુસાર, આ દંપતીએ માત્ર આ એક વ્યક્તિને જ નહીં, પરંતુ અન્ય અનેક લોકોને પણ ઓએનજીસી,આઇઓસીએલ કે અન્ય સરકારી કંપનીઓમાં નોકરી અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોય તેવી શક્યતા છે. પોલીસ હાલ આ દિશામાં વ્યાપક તપાસ કરી રહી છે.