સુરતમાં હીરા ઉદ્યોગને બદનામ કરનાર હીરાનાં વેપારીને પાસા હેઠળ સજા કરાઈ છે. આરોપી સુનિલ અજબાણીને સુરત, કોલકાતા, મુંબઈ વગેરેમાં હીરા અને માલ લઈને ભાગી જવાની મોડસ ઓપરેન્ડીના આધારે ગુના નોંધાયા હતા.

સુરત શહેરમાં મૂળ બનાસકાંઠાનાં ધાનેરાનો અને હાલ મુંબઈનાં બીકેસીમાં રહેતો હીરાનો વેપાર કરતો આરોપી સુનીલ શાહ (અજબાણી)ને સુરત પોલીસની આકરી કાર્યવાહી બાદ પાસા હેઠળ ધકેલાતા હીરાબજારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ પ્રથમ કિસ્સો છે જેમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય. સુનિલ અજબાણી નાના મોટા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના હીરા અને કિંમતી માલ લઈને ભાગી જતો હતો, બાદમાં તેના પરિવારજનો ગુમ થયાની ફરિયાદ નોંધાવતા હતા. જેથી ઉધાર ઓછું થાય. બાદમાં આરોપી માલ વેચીને કમાયેલા રૂપિયા સગાઓને વહેંચી દેતો હતો. થોડા સમય બાદ ખુદ મુંબઈ પાછો ફરતો હતો, જેથી શંકાને સ્થાન ન રહે.

પોલીસ માહિતી અનુસાર, મુંબઈમાં બીકેસીમાં આ જ રીતની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એટલું જ નહીં ૨૦૧૩માં કોલકાતામાં ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યારે મોડસ ઓપરેન્ડીનાં આધારે પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એકટીવિટીઝ એક્ટ હેઠળ સુનીલ અજબાણીની અટકાયત કરવામાં આવી છે. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદનાં આધારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કરી હીરા ઉદ્યોગને બદનામ કરનાર આરોપીને અમદાવાદ જેલ હવાલે કરાયો છે.