ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઇડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ભાઇ-બહેન સહિત ૬ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૦ કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં પાર્ક કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત ૧૦૮ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. લક્ઝરી બસના ડ્રાઇવર વલ્લભભાઈ સોન્ડાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી બસ સુરતથી રાજુલા આવતી હતી. આખી બસ પેસેન્જરથી ફુલ ભરેલી હતી. આ દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઇડમાં ઊભું હતું પણ કોઇ પથ્થર મૂકેલા ન હતા, જેથી મારું ધ્યાન નહોતું ગયું. નજીક જતાં અચાનક મારું ધ્યાન ગયું એટલે મેં ટ્રાય કરી પણ પછી બસ કાબૂમાં રહે એમ નહોતી એટલે આ દુર્ઘટના ઘટી છે.
હતભાગી મૃતકોની યાદી
• ગોવિંદ ભરતભાઇ કવાડ (ઉં.વ. ૪ રહે. માંડલ)
• તમન્ના ભરતભાઈ કવાડ (ઉં.વ. ૭ રહે. માંડલ)
• ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા (ઉં.વ. ૮ રહે. મોરંગી)
• જયશ્રી મહેશભાઈ નકુમ (ઉં.વ. ૩૮ રહે. વાઘનગર)
• ચતુરાબેન મધુભાઈ હડિયા (ઉં.વ. ૪૫ રહે. કોટડી-રાજુલા)
• છગનભાઇ કળાભાઈ બલદાણિયા (ઉં.વ. ૪૫ રહે. રસુલપરા-ગીરગઢડા)