દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતથી મહુવા સુધી વધારાની ટ્રેન સેવા શરૂ કરવા માટે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતનો મુખ્ય હેતુ દિવાળીના સમયગાળા દરમિયાન મુસાફરોને પડતી હાલાકી દૂર કરવાનો છે. અમરેલી જિલ્લાના અમરેલી, સાવરકુંડલા, લીલીયા, રાજુલા, મહુવા, જાફરાબાદ, ગારિયાધાર અને ઢસા જેવા વિસ્તારોના હજારો લોકો આજીવિકા માટે સુરતમાં વસવાટ કરે છે. દિવાળીના તહેવારો દરમિયાન આ પરિવારો પોતાના વતન પરત ફરે છે, જેના કારણે મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થાય છે. હાલમાં ઉપલબ્ધ નિયમિત ટ્રેન અને બસ સેવાઓ આ મોટી સંખ્યાને પહોંચી વળવા માટે અપૂરતી છે, જેના કારણે મુસાફરોને ટિકિટ મેળવવામાં અને મુસાફરી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, ધારાસભ્ય કસવાલાએ રેલવે મંત્રીને પત્ર લખીને માંગણીઓ કરી છે.






































