હાઈટેક ગણાતી મધ્યસ્થ લાજપોર જેલમાં ચાર દિવસ અગાઉ કેદીના કસ્ટોડિયલ ડેથને લઇ લાજપોર જેલ વિવાદમાં આવી છે. ચોરીના ગુનામાં કાચા કામના કેદી તરીકે લાવવામાં આવેલા કેદીનું જેલની અંદર મોત થતા પરિવાર અને સમાજના લોકો દ્વારા લાજપોર જેલના પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. પોલીસ દ્વારા માર મરાતા કેદીનું મોત થયું હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવાર અને સમાજના લોકોએ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. પરિવાર અને સમાજે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે એટ્રોસિટી એક્ટ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પરિવાર અને સમાજના લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે યુવકનું મોત જાનડીસ અને કમળાની અસરના કારણે વોમિટ થતા થયું છે. જે પરિવાર અને સમાજના લોકો સ્વીકારવા તૈયાર નથી.
બનાવની વિગતો જાઈએ તો, ૨૫ વર્ષીય મહેશ વાળાને ચાર દિવસ અગાઉ બાઈક ચોરીના ગુન્હામાં ધરપકડ બાદ જેલ કસ્ટડી હેઠળ સુરતની લાજપોર જેલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાચા કામના કેદી તરીકે તેને રાખવામાં આવ્યો હતો. જાકે ત્યારબાદ મહેશ વાળાનું જેલની અંદર જ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. મહેશ વાળાને ઉલટીઓ થયા બાદ સૌપ્રથમ જેલમાં અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જે બાબતની જાણ જેલ સત્તાધીશો દ્વારા બાદમાં પરિવારજનોને કરવામાં આવી હતી.
૨૫ વર્ષીય મહેશ વાળાના મોતના સમાચાર મળતા પરિવાર અને સમાજના લોકો સુરત દોડી આવ્યા હતા. જ્યાં યુવકનું મોત બીમારીના કારણે નહીં પરંતુ પોલીસના મારથી થયું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. મૃતકના પરિજનો અને સમાજના લોકોએ લાજપોર જેલની પણ મુલાકાત કરી હતી અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ જાવાની માંગ કરી હતી.જ્યાં જેલ સત્તાધીશો દ્વારા પરિવાર અને સમાજના લોકોને સીસીટીવી ફૂટેજ પણ બતાવવામાં આવ્યા હતા. જે ફૂટેજમાં જડતીના સમયે જેલમાં પ્રવેશ કરતી વેળાએ મહેશ વાળાની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અચાનક મહેશ વાળાના મોતને લઈ પરિવાર અને સમાજે જેલના પોલીસ કર્મચારીઓ પર ઢોર માર મારવાના કારણે મોત થયા હોવાનો આરોપ મૂક્યો છે.
મૃતકના શાળા હરેશ વણઝારા જણાવ્યું હતું કે. મારા ઘરેથી જ મહેશની ધરપકડ કરી પોલીસ ભરૂચ લઈ ગઈ હતી. ત્યારબાદ અન્ય પોલીસ દ્વારા તેનો કબજા મેળવવામાં આવ્યો હતો. ધરપકડ બાદ તેને સુરતની લાજપોર જેલ ખાતે કસ્ટડી હેઠળ મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાં સુધી મહેશની તબિયત સંપૂર્ણ સ્વસ્થ હતી. મહેશને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. પરંતુ જેલ સત્તાધીશો દ્વારા મહેશના વોમિટ થયા બાદ તેનું મોત થયું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જે વાત ગળે ઉતરે તેમ નથી. મહેશ પાસેથી સીમકાર્ડ મળી આવ્યો હતો જેને લઇ પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારતા તેનું મોત થયું હતું.
પોલીસ ફરિયાદ કે જવાબદારો સામે પગલા નહીં ભરાતા સમાજના લોકો અને પરિજનોમાં પોલીસની કામગીરીને લઈ રોષ જાવા મળ્યો હતો. જેથી તાત્કાલિક ધોરણે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરી પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ છે. જા ન્યાય નહીં કરવામાં આવે તો ઉગ્ર જન આંદોલન પણ કરવામાં આવશે.