સુરતના રાંદેર વિસ્તારમાં સમી સાંજે બે-ત્રણ મિત્રો પર અંજારના ત્રણ ઈસમો દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાની ઘટનામાં બે પૈકીના એકનું કરૃણ મોત હતા. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્ત અન્ય મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. જૂની દુશ્મનાવટમાં હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ડામવા માટેની મોટી મોટી વાર્તાઓ કરી રહી છે. તેવામાં પોલીસની સતત ચાંપતી નજર અને પેટ્રોલીંગ વચ્ચે સુરત રાંદેર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જાકે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના રાંદેર સ્થિત મોરાભાગળ વિસ્તારમાં આવેલા મચ્છી માર્કેટમાં બુધવારની સમી સાંજે બે મિત્રો ઉપર
જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા ત્રણ જેટલા ઈસમો આ બંને મિત્રો પાસે આવી ચઢ્યા હતા. અને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી સલીમ ખલીલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જ્યારે વચ્ચે પડેલા મિત્રને ચપ્પુના ઘા ઝીંકાતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બનતા જ સમી સાંજે રાંદેર પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
મૃતક સલીમના ઇજાગ્રસ્ત મિત્રની પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં ત્રણ જેટલા શખ્સોના નામો બહાર આવ્યા છે.જેમાં આરીફ, રફીક અને રવિ નામના શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી ઇજાગ્રસ્ત મિત્ર દ્વારા પોલીસને આપવામાં આવી છે.
પોલીસના જણાવ્યાનુસાર ફાયનાન્સના ધંધામાં ચાલી આવેલી માથાકૂટમાં આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.રાંદેર પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.