તહેવોરી સીઝન પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે ગુનેગારો જોણે બેફામ બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં શહેરમાં પણ કઇંક આવુ જ જોવા મળ્યુ છે. જ્યા દિવાળી પછી ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ઘરફોડ ચોરીઓ બાદ રાણીપમાં સોના ચાંદી ભરેલી બેગની ચીલઝડપ થઈ છે. રાજસ્થાનમાં બાડમેરમાં શિવમ જ્લેલર્સ નામની દુકાન ધરાવી બુલિયનનું કામ કરતા ધર્મપાલ સોનીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ મુજબ વેપારીને સોનાનાં બિસ્કીટની જરૂર હોવાથી અમદાવાદનાં નવરંગપુરાનાં કરૂણા બુલિયન ધરાવતા વેપારીને સંપર્ક કરી ૨૪.૯૧ લાખમાં ૧૦૦-૧૦૦ ગ્રામનાં સોનાનાં ૫ બિસ્કીટનો સોદો કર્યો હતો. તેવી જ રીતે ચાંદીનાં ૫ કિલો વજનનાં બિસ્કીટ લેવા માટે માણેક ચોકનાં વેપારી સાથે સોદો કર્યો હતો. જેની તમામ રકમ વેપારીએ ચુકવી દિધી હતી. ત્યારે સોના-ચાંદીનાં બિસ્કીટની ડિલીવરી લેવા માટે વેપારીએ પોતાનાં ત્યાં કામ કરતા કર્મીને અમદાવાદ મોકલ્યો હતો. જ્યાં પવન શર્માઓ બન્ને વેપારીઓ પાસેથી સોના-ચાંદીનાં બિસ્કીટ લઈને રાજસ્થાન પરત આવવા
નિકળ્યો હતો.
કાલુપુર બસ સ્ટેશનથી યુવકને બસ ન મળતા રિક્ષા મારફતે સુભાષબ્રિજ સર્કલ ખાતે આવ્યો હતો ત્યારે સુભાષબ્રિજ સર્કલ પાસે બાઈક પર આવેલા બે ઈસમો યુવકનાં હાથમાં રહેલા બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. આ અંગે પવન શર્માએ વેપારી ધર્મપાલ સોનીને જોણ કરતા વેપારી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં અજોણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે આ ઘટનાને પગલે પોલીસે આસપાસનાં સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપવા અલગ-અલગ ટીમો કામે લગાડી છે, ત્યારે જોવાનું રહ્યું કે ચીલઝડપ કરનારા પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે