અમદાવાદ શહેરના મહત્વના સુભાષબ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલના હયાત બ્રિજને તોડી પાડવાના નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે બ્રિજના પિલરોમાં તિરાડો જોવા મળી હોવાથી તેની તકનિકી તપાસ કરાવવામાં આવી હતી. આ મામલે આઇઆઇટી રૂડકી દ્વારા અભ્યાસ કરી પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આઇઆઇટી ગાંધીનગર અને બ્રિજ ક્ષેત્રના નિષ્ણાતોએ સ્થળ પર જઈ તપાસ કરીને વિગતવાર રિપોર્ટ સોંપ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુભાષબ્રિજના પિલરો આશરે ૫૩ વર્ષ જૂના થઈ ગયા છે. કન્સલ્ટન્સી એજન્સી દ્વારા આપવામાં આવેલા અભિપ્રાય મુજબ માત્ર બ્રિજના સ્પાન નહીં પરંતુ પિલરોને પણ તોડી નવા બનાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે જો બ્રિજના સ્પાન અને પિલર બંને નવા બનાવવામાં આવે તો નવા બ્રિજનું આયુષ્ય અંદાજે ૧૦૦ વર્ષ સુધી રહી શકે છે. સાથે જ નવી ડિઝાઇન અને આધુનિક ટેક્નોલોજી સાથે બનનારો બ્રિજ વધુ મજબૂત, સુરક્ષિત અને લાંબા ગાળે ટકાઉ સાબિત થશે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે નવા બ્રિજના નિર્માણ માટેની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે, જેથી ભવિષ્યમાં નાગરિકોને વધુ સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા મળી શકે.
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સુભાષબ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ છે. દરરોજ હજારો વાહનચાલકો અને મુસાફરોને લાંબા ડાયવર્ઝન, ટ્રાફિક જામ અને વધતા સમયના બોજનો સામનો કરવો પડી રહ્યો છે. સુભાષ બ્રિજ બંધ કરાયો તેને છ-છ મહિના થઈ ગયા હોવા છતાં નવો બ્રિજ બનાવવો કે તેનું સમારકામ કરવું તે નિર્ણય ન લઈ શકતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ડિસેમ્બર ૨૦૨૫માં બ્રિજમાં તિરાડો દેખાતા તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સમયે છસ્ઝ્ર દ્વારા બ્રિજના સ્પાન બદલવા અને જરૂરી રિપેરિંગ કરીને તેને ફરી શરૂ કરવાની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ છ મહિનાના લાંબા ઈંતેજાર પછી પણ છસ્ઝ્ર કાચબાની ગતિએ કામ કરી રહી છે.
સૌથી મોટો સવાલ એ છે કે જો બ્રિજની સ્થિતિ એટલી જ ગંભીર હતી, તો પ્રાથમિક તપાસ દરમિયાન જ આ હકીકત સામે કેમ આવી નહીં? આઇઆઇટી રૂડકી,આઇઆઇટી મુંબઈ અને એસવીએનઆઇટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવી હોવા છતાં અંતિમ નિર્ણય સુધી પહોંચવામાં છ મહિના કેમ લાગી ગયા?
બ્રિજનું આયુષ્ય ૫૦ વર્ષથી વધુ થઈ ચૂક્યું છે અને જૂની ટેક્નોલોજીથી બનેલો આ બ્રિજ
વર્તમાન ટ્રાફિકના ભારણને સહન કરવા માટે યોગ્ય નથી. વધુમાં, નવો બ્રિજ બનાવવો જ લાંબા ગાળાનો શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું પણ સૂચવાયું હતું. જો આ અભિપ્રાય શરૂઆતથી જ ઉપલબ્ધ હતો, તો છસ્ઝ્રએ નિર્ણય લેવામાં આટલો વિલંબ શા માટે કર્યો?
આ વિલંબનો સીધો ભોગ અમદાવાદની જનતા બની છે. એરપોર્ટ તરફ જતા મુસાફરો હોય કે રોજિંદા ઓફિસ જતાં નાગરિકો, સૌએ છેલ્લા છ મહિનાથી વધારાના ટ્રાફિક અને સમયની સમસ્યાઓનો સામનો કર્યો છે. પ્રશ્ન એ છે કે શું છસ્ઝ્રએ લોકોની મુશ્કેલીઓને પૂરતી ગંભીરતાથી લીધી? શહેરના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે સમયસર નિર્ણય લેવાની જવાબદારી તંત્રની હોય છે. પરંતુ સુભાષ બ્રિજના કેસમાં છસ્ઝ્રની આયોજન ક્ષમતા, ટેકનીકલ મૂલ્યાંકન અને નિર્ણય પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે. જો આખરે નવો બ્રિજ જ બનાવવાનો હતો, તો આ નિર્ણય છ મહિના પહેલા કેમ લેવામાં આવ્યો નહીં?