સુપ્રીમ કોર્ટે જાતીય ગુનાઓ સંબંધિત બે અલગ-અલગ કેસોમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા નિર્ણયો પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યાયાધીશોએ આવા સંવેદનશીલ મામલાઓમાં વધુ સાવધાની અને જવાબદારી સાથે ટિપ્પણીઓ કરવી જોઈએ.

પહેલો કેસ હાઈકોર્ટના એક ચુકાદા સાથે સંબંધિત છે જેમાં જસ્ટીસ રામ મનોહર મિશ્રાએ ઠરાવ્યું હતું કે છોકરીના ગુપ્તાંગને પકડીને તેના પાયજામાના દોરી તોડી નાખવા એ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ આવતી નથી પરંતુ કલમ ૩૫૪  (મહિલાના કપડાં ઉતારવાના ઈરાદાથી હુમલો) હેઠળ આવે છે. આ ટિપ્પણી અંગે સોશિયલ મીડિયા અને કાનૂની વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયા આવી હતી.

બીજા એક કેસમાં, હાઈકોર્ટે બળાત્કારના આરોપીને જામીન આપતી વખતે અવલોકન કર્યું હતું કે “મહિલાએ પોતાના પર મુશ્કેલી ઉભી કરી છે અને તે પોતે જ તેના માટે જવાબદાર છે.” આ ટિપ્પણી પર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર. ગવઈએ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “જામીન આપી શકાય છે, પરંતુ આવી ટિપ્પણીઓ શા માટે કરવામાં આવે છે?”

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે ન્યાય ફક્ત થવો જોઈએ નહીં પરંતુ એવું પણ દેખાવું જોઈએ કે ન્યાય થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ સામાન્ય નાગરિક આવી ટિપ્પણીઓ વાંચે છે, ત્યારે તેને લાગે છે કે કોર્ટ કાયદાની સૂક્ષ્મતાને અવગણી રહી છે.

જસ્ટીસ ગવઈએ કહ્યું કે ચાર અઠવાડિયા પછી સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ન્યાયાધીશોએ અત્યંત સાવધાની અને જવાબદારી સાથે કામ કરવું જોઈએ, ખાસ કરીને જાતીય ગુના જેવા સંવેદનશીલ કેસોમાં, કારણ કે તેમની ટિપ્પણીઓ સમાજ અને પીડિતો પર ઊંડી અસર કરે છે. –