સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાની રખડતા કૂતરાના મુદ્દા પર ૩ નવેમ્બરના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની પરવાનગી માંગતી અપીલને ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ૩ નવેમ્બરે કેસની આગામી સુનાવણી દરમિયાન તમામ મુખ્ય સચિવોએ વ્યવ્ક્તિગત રીતે હાજર રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે ૨૭ ઓક્ટોબરે આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે રખડતા કૂતરાઓની સમસ્યા પર નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં, મોટાભાગના રાજ્યોએ હજુ સુધી સોગંદનામા દાખલ કર્યા નથી. આ અંગે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવોને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશો – જસ્ટીસ વિક્રમ નાથ, જસ્ટીસ સંદીપ મહેતા અને જસ્ટીસ એન.વી. અંજારિયા – ની ખાસ બેન્ચે શોધી કાઢ્યું હતું કે રખડતા કૂતરાઓની સમસ્યા અંગે ફક્ત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાએ જ સોગંદનામા દાખલ કર્યા હતા. નોંધનીય છે કે ૨૨ ઓગસ્ટે જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરી ત્યારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોગંદનામા દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેના આદેશ છતાં સોગંદનામા ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને મુખ્ય સચિવોને તેની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.