ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેબિનેટ મંત્રી કુંવર વિજય શાહને ફટકાર લગાવી છે. કોર્ટે આ મામલાની તપાસ માટે ત્રણ વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓની એસઆઇટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, કોર્ટે મંત્રીની માફીને ‘મગરના આંસુ’ ગણાવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે મંત્રી દ્વારા માંગવામાં આવેલી માફી સ્વીકારવા તૈયાર નથી. તમને જણાવી દઈએ કે સોફિયા કુરેશીએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વિશે મીડિયાને માહિતી આપી હતી.
સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહની માફી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે શું આ કાનૂની કાર્યવાહીથી બચવા માટે “મગરના આંસુ” હતા? સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અમે તમારા વીડિયો જોયા, તમે અપશબ્દોનો ઉપયોગ કરવાની અણી પર હતા. તમે એક જાહેર વ્યક્તિ છો. તેઓ એક અનુભવી રાજકારણી છે. જનપ્રતિનિધિ હોવાને કારણે, તમારે દરેક શબ્દનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. સશસત્ર દળો માટે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે ખૂબ જ જવાબદાર બનવાની જરૂર છે.
આ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામેની એફઆઈઆરની તપાસ માટે ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એસઆઈટીની રચના કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં આઈજી રેન્કના અધિકારીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું કે એસઆઇટીમાં એસપી રેન્કની એક મહિલા અધિકારી પણ હશે. આ એસઆઇટીએ ૨૮ મે સુધીમાં પોતાનો પહેલો રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. આ એસઆઇટી મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી અંગે કરવામાં આવેલી ટિપ્પણીની તપાસ કરશે.
આ મુદ્દાને લઈને વિપક્ષે સરકારને ઘેરી લીધી છે. વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અને હાઈકોર્ટના એફઆઇઆર દાખલ કરવાના આદેશ પછી પણ મુખ્યમંત્રી રાજીનામું આપી રહ્યા નથી. રાજીનામું ન આપવું એ દર્શાવે છે કે વિજય શાહના આ નિવેદન અને આ કૃત્યને ભારતીય જનતા પાર્ટીની મૌન મંજૂરી છે. ભાજપ દબાણ અને પ્રભાવ દ્વારા બતાવવા માંગે છે કે અમે જે કંઈ કર્યું તે સાચું હતું. જો મુખ્યમંત્રી સંવેદનશીલ હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ધૃતરાષ્ટ્રની સ્થીતિમાં આવી ગઈ છે, જે તેમના પલંગ પર સૂઈને નિસાસો નાખી રહી છે. વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને સત્ય દેખાતું નથી. તેમને જનતાની લાગણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર કરુણાથી ઘણી દૂર છે.