દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિગ સાથે સંબંધિત કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ચાલી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય લઈ શકી નહોતી અને તેથી સુપ્રીમે આ કેસ પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠ સમક્ષ મોકલવાનો નિર્ણય કર્યો હતો, પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠ હવે ચુકાદો સંભળાવશે, કે દિલ્હીના વટહુકમ પર સ્ટે મૂકવો કે તેને ચાલું રહેવા દેવો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે એક વટહુકમ દ્વારા સેવાઓને દિલ્હી વિધાનસભાના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવી યોગ્ય છે કે કેમ તે અંગે લાંબી સુનાવણી જરૂરી છે. એલજી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, એક વખત સંસદમાં બિલ રજૂ થયા બાદ વટહુકમ મુદ્દે વિચાર કરવાની જરૂર નહીં રહે. આના પર સીજેઆઈએ કહ્યુ કે અમે ત્યાં સુધી રાહ ન જાઈ શકીએ.
આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રશાસનિક સેવાઓના નિયંત્રણ અને અધિકાર સાથે જાડાયેલા મામલા પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ, જમીન અને જાહેર વ્યવસ્થા સિવાય ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સલાહનું પાલન કરવું પડશે. આ પછી, કેન્દ્ર સરકાર વટહુકમ લાવી, જેમાં દિલ્હીની સત્તા ફરીથી ઉપરાજ્યપાલને પરત કરવામાં આવી. કેન્દ્રના આ વટહુકમને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો જેની પર આજે સુનાવણી ચાલી હતી પરંતુ કોઈ નિર્ણય થઈ શક્યો ન હતો તેથી ચીફ જસ્ટીસે આ કેસ પાંચ સભ્યોની બંધારણીય પીઠેને સોંપ્યો હતો અને તે અંતિમ ચુકાદો આપશે.