સુપ્રીમ કોર્ટે મંગળવારે ભારતીય રાષ્ટ્રિય લોકદળના નેતા અભય ચૌટાલાને મોટી રાહત આપી અને તેમની વિરુદ્ધ દાખલ નિવૃત્ત આઇપીએસ અધિકારીની અરજી ફગાવી દીધી. નિવૃત્ત આઇપીએસ અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેણે ૨૦૦૮ માં અભય ચૌટાલા સામે દાખલ કરાયેલા માનહાનિના કેસમાં તેમને જારી કરાયેલા સમન્સને રદ કર્યા હતા.જસ્ટીસ એમએમ સુંદરેશ અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું કે તે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા ઇચ્છુક નથી. કોર્ટ નિવૃત્ત અધિકારી પરમવીર રાઠી દ્વારા ૧૯ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી. નિવૃત્ત આઇપીએસ અધિકારીએ ઓગસ્ટ ૨૦૦૮ માં ચૌટાલા અને કેટલાક અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે અભય ચૌટાલા અને અન્ય લોકોએ ફરિયાદી અધિકારી વિરુદ્ધ માનહાનિભર્યા નિવેદનો આપ્યા હતા, જે વિવિધ અખબારોમાં પ્રકાશિત થયા હતા, અને તેનાથી તેમની પ્રતિષ્ઠાને ન ભરવાપાત્ર નુકસાન થયું હતું.ગુરુગ્રામની એક કોર્ટે ૨૦૧૦માં આ કેસમાં ચૌટાલાને સમન્સ જારી કર્યા હતા, જેને ચૌટાલાએ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, જેણે આ આદેશને માન્ય રાખ્યો હતો. આ આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સમન્સના આદેશને રદ કરતા કહ્યું હતું કે પરમવીર રાઠી દ્વારા રજૂ કરાયેલા પુરાવા પૂરતા નથી અને તે દર્શાવતું નથી કે ચૌટાલાએ રાઠી વિરુદ્ધ કથિત બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા હતા. આ પછી, હાઈકોર્ટે ચૌટાલા વિરુદ્ધ સમન્સ રદ કર્યું.








































