તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ એન. રવિ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે, મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજ્યના અધિકારો અંગે એક મુખ્ય નિવેદન આપ્યું છે. હકીકતમાં, એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું હતું કે “રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર સમય મર્યાદામાં નિર્ણય લેવો જાઈએ.” રાષ્ટ્રપતિએ ૧૪ પ્રશ્નો મોકલીને આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો. તેના પરામર્શમાં, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટ બિલો પર નિર્ણયો માટે સમયમર્યાદા નક્કી કરી શકતી નથી. સુપ્રીમ કોર્ટની સલાહ બાદ, તમિલનાડુના મુખ્યમંત્રીએ હવે આ મામલે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી બંધારણમાં સુધારો ન થાય ત્યાં સુધી તેઓ ચૂપ રહેશે નહીં.ડીએમકેના વડા સ્ટાલિને કડક વલણ અપનાવતા શુક્રવારે કહ્યું, “જ્યાં સુધી બંધારણમાં સુધારો કરીને રાજ્યપાલોને બિલ મંજૂર કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ પાછા નહીં હટે.” રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટના સલાહકાર અભિપ્રાય બાદ સ્ટાલિને આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યના અધિકારો અને સાચા સંઘીય માળખા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે.મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ૨૦ નવેમ્બરના રોજ જારી કરાયેલી સલાહકારની ૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ‘તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ’ ના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ પર કોઈ અસર થશે નહીં. તેમણે કહ્યું, “કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીમાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને જ રાજ્યમાં નિર્ણય લેવાનો અધિકાર હોવો જાઈએ. તેથી, રાજ્યમાં કારોબારી નિર્ણય લેવાના બે અલગ કેન્દ્રો હોઈ શકે નહીં.”સ્ટાલિને એ પણ ભાર મૂક્યો કે રાજ્યપાલ પાસે બિલ રોકવાનો કે પોકેટ વીટો આપવાનો કોઈ વિકલ્પ નથી. તેઓ કારણ વગર બિલ રોકી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યપાલ પાસે બિલને પેન્ડીંગ રાખવા માટે ‘ચોથો વિકલ્પ’ નથી.










































