સ્વર્ગીય અભિનેતા દેવ આનંદને સદાબહાર અભિનેતા ગણવામાં આવે છે. તે સમયે તેમની સ્ટાઈલ અને એક્ટિંગ ખૂબ જ પોપ્યુલર હતી. તેઓ સમયથી આગળના અભિનેતા હતા. ખાસ વાત એ છે કે તેઓ મલ્ટી ટેલેન્ટેડ હતા. તેઓ અભિનયની સાથે પટકથા લેખક, નિર્માતા અને નિર્દેશક પણ હતા. કહેવાય છે કે દેવાનંદ દુનિયાના એકમાત્ર અભિનેતા હતા, જેમનું કરિયર ૮ દાયકા સુધી ચાલ્યું હતું. તેઓની અભિનય કળા અને સ્ટાઇલના કારણે તેમના પરિવારમાંથી પણ કોઈ બોલીવુડનો સિતારો બનશે તેવું માનવામાં આવતું હતું. જૉકે આ માન્યતા વાસ્તવિકતામાં બદલાઈ નહીં. તેમણે તેમના પુત્ર સુનિલ આનંદને અભિનેતા બનાવવા માટે બહુ મહેનત કરી હતી. પરંતુ તે સુપર ફ્લોપ રહ્યા હતા! દેવાનંદ ફિલ્મી પડદે વિવિધ ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. તેમણે એક્ટિંગ અને ડાયરેક્શન બંનેમાં પોતાની આવડત સાબિત કરી દીધી હતી. બોલીવુડમાં નામના મેળવનાર ઘણા બધા સ્ટારના સંતાનો બોલિવૂડમાં કરિયર બનાવી ચૂક્યા છે. તેઓ સફળ પણ થયા છે, પરંતુ કેટલાક બોલીવુડ સ્ટાર્સ બોલીવુડમાં કંઈક ઉકાળી શક્યા નથી. તેઓ સુપર ફ્લોપ સાબિત થયા છે. આવું જ દેવાનંદના પુત્ર સુનિલ આનંદ સાથે થયું હતું. તેઓ અભિનેતા તરીકે નિષ્ફળ રહ્યા હતા. હાલ સુનિલ આનંદ ૬૭ વર્ષના છે. તેઓનો જન્મ ૧૯૫૬માં થયો હતો. તેઓ દેવાનંદ અને કલ્પના કાર્તિકના સંતાન છે. સુનિલ આનંદે શાળાકીય અભ્યાસ ભારતમાં કર્યો હતો. ત્યારબાદ અમેરિકાના વોશિંગ્ટનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો હતો. શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ પણ પિતા દેવાનંદની જેમ લોકપ્રિયતા મેળવવા માટે અભિનયની દુનિયામાં પગ મુક્યો હતો. પુત્રની અભિનયની ઈચ્છા જોઈને દેવાનંદે તેનો સાથ આપ્યો હતો. વર્ષ ૧૯૮૪માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’ બનાવી હતી. આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર દેવાનંદ હતા. તેમણે ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી. પિતા-પુત્ર એકસાથે ફિલ્મી પડદે જાવા મળ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું હતું. જાકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. ત્યારબાદ સુનિલને વધુ એક ફિલ્મ મળી હતી. આ ફિલ્મનું નામ ‘કાર થીફ’ હતું. આ ફિલ્મ સમીર મલકાને બનાવી હતી. ફિલ્મમાં સુનિલ સાથે વિજયતા પંડિતે કામ કર્યું હતું. જૉકે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કશું ઉકાળી શકી ન હતી. બંને ફિલ્મ ઉપરા ઉપરી ફ્લોપ ગયા બાદ પણ દેવાનંદે ફરીથી રિસ્ક લીધું હતું. આ વખતે દેવાનંદના ભાઈ વિજય આનંદે ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ૧૯૮૮માં આવી હતી. તેનું નામ ‘મેં તેરે લિયે’ હતું. આ ફિલ્મમાં રાજેન્દ્રકુમાર, આશા પારેખ, સુનિલ આનંદ, મીનાક્ષી શેષાદ્રી જેવા કલાકારો હતા. અલબત્ત આ ફિલ્મમાં પણ નસીબે સાથ આપ્યો ન હતો. આ ફિલ્મ પણ નિષ્ફળ ગઈ હતી.