સુદાનમાં વંશીય હિંસાને કારણે લગભગ ૧૦૦ લોકોના મોત થયા છે. અહીં મિલિશિયાઓએ ૨૦થી વધુ ગામોમાં આગ લગાવી દીધી છે. જ્યારે ૬૦થી વધુ બળેલા મૃતદેહો મળી આવ્યા છે.સુદાનના યુદ્ધગ્રસ્ત ડાર્ફુર પ્રાંતમાં ગયા અઠવાડિયે વંશીય સંઘર્ષમાં લગભગ ૧૦૦ લોકોના મોત થયા છે. યુએન શરણાર્થી એજન્સી અને એક સમુદાયના નેતાએ સોમવારે આ માહિતી આપી. યુએનએચસીઆરના સંયોજક ટોબી હાર્વર્ડે જણાવ્યું હતું કે પશ્ચિમ ડાર્ફુર પ્રાંતના કુલબાસ શહેરમાં જમીન વિવાદને લઈને આરબ અને આફ્રિકન જોતિઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી, સ્થાનિક મિલિશિયાઓએ વિસ્તારના ઘણા ગામો પર હુમલો કર્યો અને હજોરો લોકોને ભાગવાની ફરજ પડી હતી.
શહેરના એક વંશીય નેતા, અબકર અલ-તુમે જણાવ્યું હતું કે મિલિશિયાએ ૨૦ થી વધુ ગામોને સળગાવી દીધા પછી ઓછામાં ઓછા ૬૨ સળગેલા મૃતદેહો મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે હજુ પણ ઘણા લોકોના ઠેકાણા નથી. આ અથડામણ ડાર્ફુરમાં વંશીય હિંસાની તાજેતરની ઘટના છે. એપ્રિલની શરૂઆતમાં, એવું નોંધવામાં આવ્યું હતું કે સુદાનના પશ્ચિમ ડાર્ફુર પ્રદેશમાં આદિવાસી આરબો અને બિન-આરબ વચ્ચે સપ્તાહના અંતે થયેલી અથડામણમાં મૃત્યુઆંક ૨૦૦ને પાર કરી ગયો હતો.