સુદાનના અર્ધલશ્કરી દળો (રેપિડ સપોર્ટ ફોર્સિસે દક્ષિણ-મધ્ય સુદાનના દક્ષિણ કોર્ડોફાન રાજ્યના કાલોગી શહેરમાં એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો. ડોકટરોના એક જૂથના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ૩૩ બાળકો સહિત ૫૦ લોકો માર્યા ગયા. શુક્રવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, જૂથે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલી પેરામેડિકલ ટીમને “બીજા આશ્ચર્યજનક હુમલા” માં નિશાન બનાવવામાં આવી હતી.ડ્રોન હુમલા બાદ વિસ્તારમાં સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ચોક્કસ મૃત્યુઆંક હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે. ગુરુવારનો હુમલો આરએસએફ અને સુદાનની સેના વચ્ચેના બે વર્ષથી વધુ લાંબા યુદ્ધનો નવીનતમ પ્રકરણ છે. લડાઈ હવે તેલ સમૃદ્ધ કોર્ડોફાન પ્રદેશમાં કેન્દ્રિત થઈ ગઈ છે.બાળકોના અધિકારો માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા, યુનિસેફે, આ હુમલાની સખત નિંદા કરી છે. “શાળામાં બાળકોની હત્યા એ બાળકોના અધિકારોનું ભયાનક ઉલ્લંઘન છે. બાળકોએ ક્્યારેય યુદ્ધની કિંમત ચૂકવવી ન જાઈએ,” યુનિસેફના સુદાનના પ્રતિનિધિ, શેલ્ડન યેટે, શુક્રવારે જણાવ્યું હતું. તેમણે તમામ પક્ષોને આવા હુમલા તાત્કાલિક બંધ કરવા અને જરૂરિયાતમંદ લોકો સુધી માનવતાવાદી સહાય માટે સલામત, અવરોધ વિનાની પહોંચ આપવાની અપીલ કરી હતી. તાજેતરના અઠવાડિયામાં કોર્ડોફાનના વિવિધ ભાગોમાં સેંકડો નાગરિકો માર્યા ગયા છે.આરએસએફ દ્વારા ઘેરાયેલા શહેર અલ-ફાશેર પર કબજા કર્યા પછી, લડાઈ દારફુરથી અહીં ખસેડાઈ છે.દક્ષિણ કોર્ડોફાનના કૌડામાં સુદાનની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૪૮ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. યુએન માનવાધિકાર વડા વોલ્કર તુર્કે ચેતવણી આપી છે કે અલ-ફાશેર જેવા નવા અત્યાચાર કોર્ડોફાનમાં પણ થઈ શકે છે.આરએસએફના અલ-ફાશેર પરના કબજા દરમિયાન, નાગરિકોની હત્યા કરવામાં આવી, બળાત્કાર કરવામાં આવ્યો અને અન્ય જઘન્ય ગુનાઓનો ભોગ બન્યા. હજારો લોકો ભાગી ગયા, જ્યારે હજારો લોકો શહેરમાં મૃત્યુ પામ્યા અથવા ફસાયા હોવાની આશંકા છે.આરએસએફ અને સુદાનિસ દળો ૨૦૨૩ થી સત્તા માટે લડી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, યુદ્ધમાં ૪૦,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ૧૨ મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સહાય સંસ્થાઓ કહે છે કે વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે.








































