સુત્રાપાડા પંથકના લોકોને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્વારા જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. ૧૦૦ વર્ષ જૂની આ સંસ્થાની સુત્રાપાડા શાખા છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે અને ગરીબ દર્દીઓ માટે વિવિધ મેડિકલ કેમ્પ તેમજ કુદરતી આપત્તિ સમયે મદદરૂપ થતી રહી છે. શાખાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્યપાલના હસ્તે પાંચ એવોર્ડ પ્રાપ્ત થયા છે. સુત્રાપાડા અંતરિયાળ વિસ્તાર હોવાથી ઈમરજન્સી દર્દીઓને ૨૦-૨૫ કિલોમીટર દૂર સારવાર માટે લઈ જવા પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે શાખાના ચેરમેન અજયભાઈ બારડે સાંસદ ફંડમાંથી રૂ.૩૦ લાખની ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત કરી છે. તાઉતે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન પણ સંસ્થાએ મેડિકલ કિટ, ખોરાક અને તાડપત્રી પૂરા પાડીને લોકોની સેવા કરી હતી. શાખા દ્વારા નિયમિત રીતે મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે. સાંસદ રાજેશભાઈ ચુડાસમા તરફથી એમ્બ્યુલન્સ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે એવો વિશ્વાસ ચેરમેન અજયભાઈ બારડે વ્યક્ત કર્યો હતો.