સુત્રાપાડા તાલુકાના સરા અને થરેલી ગામોના સીમ વિસ્તારમાં હાલ ધરતીપુત્રો અને વહીવટી તંત્ર વચ્ચે ગંભીર સંઘર્ષના મંડાણ થયા છે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા પાઈપલાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોએ બાયો ચઢાવી છે. પોતાની જીવાદોરી સમાન જમીન પર સંકટ જોઈને ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે અને તેઓએ તંત્રની જોહુકમી સામે આકરા પ્રહાર કર્યા છે. ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે જો આ પાઈપલાઈન તેમની ફળદ્રુપ જમીનની મધ્યમાંથી પસાર થશે, તો વર્ષોની મહેનતથી ઉછારેલા ઊભા પાક, ફળદાયી વૃક્ષો તેમજ સિંચાઈના સ્ત્રોત એવા કુવા અને બોર જેવી કિંમતી કૃષિ સંપત્તિને કાયમી નુકસાન થશે. વધુમાં, જમીનના પેટાળમાં પાઈપલાઈન હોવાને કારણે ભવિષ્યમાં આ જમીન પર કોઈ ઉદ્યોગ, પેટ્રોલ પંપ કે બિનખેતી વિકાસના કામો થઈ શકશે નહીં, જે ખેડૂતોના આર્થિક ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે.