સુત્રાપાડાના ધામળેજ ગામમાં માતબર ખર્ચે બની રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ઁૐઝ્ર)ના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગામના પદાધિકારીઓ, આગેવાનો સહિત ગ્રામજનોએ બિલ્ડિંગના બાંધકામનું નિરીક્ષણ કરીને આ આક્ષેપ કર્યો છે. લોકાર્પણ પહેલા બિલ્ડિંગમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે. ઉપરથી પાણી પડે છે, ફ્‌લોરિંગ બેસી ગયું છે અને વપરાયેલ સામગ્રીની ગુણવત્તા અત્યંત નબળી છે તેવો આક્ષેપ કર્યા હતો. આ બિલ્ડિંગની નબળી કામગીરી દર્શાવતા અને આગેવાનોની પ્રતિક્રિયા આપતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે આ મામલો ચર્ચામાં આવ્યો છે.
ગ્રામજનોએ બિલ્ડિંગનું લોકાર્પણ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાસે આ બિલ્ડિંગના નબળી ગુણવત્તાવાળા કામની તપાસની માગ પણ કરી છે. ગ્રામજનોની માગ છે કે કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને અન્ય સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ગામ લોકોની માગ છે કે, આ બિલ્ડિંગનું નવેસરથી નિર્માણ કરવામાં આવે જેથી આસપાસના ૯ થી ૧૦ ગામોના લોકોને સારી સારવાર મળી રહે.