દિલ્હીમાં એક સુટકેસમાં નવ વર્ષની બાળકીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યા બાદ મામલો ગરમાઈ રહ્યો છે. એક તરફ લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે, તો બીજી તરફ આ મામલે રાજકારણ પણ તેજ બન્યું છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા આતિશીએ આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કોણ જવાબદાર છે?
આતિશીએ પોતાના એકસ એકાઉન્ટ પર લખ્યું છે કે ‘દિલ્હીમાં ૯ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા માટે કોણ જવાબદાર છે? કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કોણ જવાબદાર છે? ભાજપ પાસે ૪ એન્જીનવાળી સરકાર છે, છતાં આપણી દીકરીઓ સુરક્ષિત નથી? મુખ્યમંત્રી રેખા ગુપ્તા જી ક્યાં છે? દેશના ગૃહમંત્રી અમિત શાહ જી ક્યાં છે?’
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં લોહીથી લથપથ સુટકેસમાંથી એક સગીર છોકરીનો મૃતદેહ મળી આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે ઉત્તરપૂર્વ દિલ્હીના નેહરુ વિહારમાં એક સગીર છોકરીનું શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તબીબી તપાસના આધારે પોલીસને જાતીય હુમલો થવાની શંકા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દયાલપુર પોલીસ સ્ટેશનમાં રાત્રે ૮:૪૧ વાગ્યે પીસીઆર કોલ મળતાં, એક ટીમને નહેરુ વિહારની લેન નંબર ૨ પર મોકલવામાં આવી હતી અને જાણવા મળ્યું કે છોકરીના પિતાએ તેને જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી છે. હોસ્પિટલમાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. ડોકટરોને તેના ચહેરા પર ઈજાના નિશાન જાવા મળ્યા હતા અને જાતીય હુમલો થવાની શંકા હતી.પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમની કલમ ૬ હેઠળ કેસ નોંધ્યો છે. પુરાવા એકત્રિત કરવા અને આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.









































