ચમનનાં વળી પાછા હાથપગ બાંધી દેવામાં આવ્યા, મોઢે પટ્ટી લગાડી દેવામાં આવી. ચમનને સમજાતું નહોતું કે આખરે થઇ રહ્યું છે શું ? તેણે બાદશાહના બે પગમાં પડીને પૂછયું : “મને હવે કયાં લઇ જવાનો છે ?” ત્યારે બાદશાહે તેના હાથ છોડાવીને કહ્યું કે “તને તારા સરનામે લઇ જવાનો છે. જયાં તારે આખરે જવાનું છે !” અને પોતે ભીતરથી ખળભળી ગયો હતો. ડરી ગયો હતો. ડરવાનું વજુદ એ હતું કે ગઇકાલે સુજાતાએ (ખુદ, પોતાની પત્નીએ જ) પોતાનું ઢીમ ઢાળી દેવા માટે બાદશાહને લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ એક પોતાના હૈયા ઉપર આઘાત હતો બીજું આઘાતજનક તો એ હતું કે, સુજાતા કોઇ ઇન્દ્રજીત નામનાં તેના કોલેજકાળના ફ્રેન્ડને હજી પણ “લવ” કરતી હતી અને બાદશાહે આપેલ માહિતી મુજબ ઇન્દ્રજીત સાથે ભાગી જવા માટે પોતાને ટપકાવી દેવા માટે ય તૈયાર થઇ ગઇ હતી. ચમનનું મગજ ગુસ્સાથી ફાટીને ધૂમાડે ગયું હતું. આવો દગો ?
સુજાતાને પોતે રાજરાણી જેમ રાખતો હતો એને જે કંઇ ખાવુ પીવું હોય, ઓઢવું પહેરવું હોય, હરવું ફરવું હોય એની કયારેય ના પાડતો નહોતો. ઇન્દુ અને સુજાતા વચ્ચેનો તફાવત કયારેય અંગતજીવનમાં અંતરાય બનીને ઊભો રહ્યો નથી. પોતે જેટલી ઇન્દુને ચાહતો હતો એના કરતા બમણો પ્યાર સુજાતાને કરતો હતો પણ સુજાતા આખરે ફરેબ નીકળી હતી. પણ આટલા વરસોમાં કયારેય એવો અંદેશો પણ સુજાતાએ આવવા દીધો નહોતો કે તે ઇન્દ્રજીતને પ્રેમ કરે છે હવે પછી પોતાને ટપકાવીને સુજાતા તેના પ્રેમી સાથે લગ્ન કરીને સુખનો લ્હાવો તો લેશે પણ પોતાનો ધંધો, મિલકત, મકાન, પ્લોટ, તમામ સંપત્તિની માલકિન પણ બની જશે.. તો કેયુરનું શું થશે ? એ બિચારો ભોળિયો છે. આમ તો વીસ એકવીસ વરસનો થયો પણ હજી એનામાં “કળિયુગ” આવ્યો જ નથી એમ કહી શકાય.
પણ અત્યારે તેને કેયુર ઉપર પણ ગુસ્સો ચડયો. આ ઉંમરે આટલો બૂડથલ ? એણે એની મમ્મીને પૂછવું જાઇએ કે પપ્પા ગયા કયાં ?.. અને જા તેને સંતોષકારક જવાબ ન મળે તો તો આવડો દીકરો આકાશ પાતાળ એક કરી નાખે. તેને બદલે હજી બોઘા જેવાએ એક પ્રશ્ન પણ તેની માને પૂછયો નહી હોય કે, આખરે મારા બાપનું થયું છે શું ?
એ વિચારી રહ્યો હતો ત્યાં જ બહારથી પેલા બન્ને ફોલ્ડરિયા આવ્યા. એને મુશ્કેટાટ બાંધી જ દીધો હતો પણ તેની ચકાસણી કરવા માટે જ જાણે બહારથી બાદશાહ આવ્યો. ચમનને ચારે બાજુથી બંધાયેલો જાયો છતાં પણ ફોલ્ડરિયાને કડક અવાજે પૂછયું : “ શિકાર તૈયાર ?” “હા, બોસ, હવે તમે કહો એટલે તેને ગમે ત્યાં હેરવી ફેરવી શકાય એટલી પૂરી તૈયારીમાં જ છે.”
“ગુડ” બાદશાહે એક નજર ચમન ઉપર નાખી. ચમનની આંખોની અંદરની કરૂણતા, માયુસી અને ભયાનક ડર જાઇ બાદશાહ ચમનના કરકરા ગાલ ઉપર હાથ ફેરવતા હસ્યો:“ હવે તને તારા આખરી સરનામે પહોંચાડી દઇએ છીએ સમજ્યો ?” અને પછી ગળા પર છરી ફેરવતો હોય એમ ગળાને ઘસીને હાથ ફેરવ્યો. ચમન ધ્રુજી ઉઠયો. બાદશાહ જતા જતા બોલ્યો : “હવે અત્યારે આને વાનમાં નથી ચડાવવાનો પણ તેના માટે બ્લેક ગ્લાસ વાળી કિયા આવે છે એમાં બેસાડી દેજા. અને બાકીનું ડાયરેકશન બેટરી આપશે !”
—-
“મમ્મી, કયાંની ટિકિટ લઉ ?” સુજાતાએ ટિકિટ લેવા માટે આપેલા પાંચસો રૂપિયાની નોટને હાથમાં ફેરવતા કેયુરે પૂછયું એટલે સુજાતા વિચાર-વંટોળમાંથી બહાર આવી. તેને બાદશાહના શબ્દો યાદ આવ્યા. બાદશાહે કહેલું : “ તું અને તારો બોડીગાર્ડ બન્નેએ જૂનાગઢ સુધી આવવાનું છે. છેલ્લા ડબામાં બેસવાનું છે. લાલ કલરની સાડી પહેરવાની છે અને ટિકિટ જૂનાગઢની કપાવવાની છે. જૂનાગઢ પહોંચશો એટલે મારો એક માણસ આવશે. એક કોડવર્ડ તેને આપુ છું : “કીડનેપ ટુ” આ કીડનેપ ટુ ફાઇવ કોડવર્ડ બોલશે એટલે તારે તારો થેલો તેને આપી દેવાનો છે. વળતા એ જ ગાડીમાં તમે બેસશો એટલે જેતલસર સુધીમાં તને એક વીડિઓ મળશે જેમાં તારા પતિને ટપકાવતા હોઇએ એ ઘટનાનું રેકોર્ડિંગ હશે. એ પૂરાવો તારા માટે ! પણ હા, એ પૂરાવો જા તે પોલીસને આપ્યો તો ઇન્દ્રજીતને પણ આમ જ ટપકાવી દેતા મને વાર નહીં લાગે સમજી ? ” વિચારોમાં ને વિચારોમાં તે ધ્રુજી ઉઠી “મમ્મી… તને પૂછું છું ટિકિટ કયાંની લેવાની છે ? ” કેયુર તેનું બાવડું પકડીને તેને હડબડાવતો પૂછતો હતો કે ફરીવાર તે વિચાર-વંટોળમાંથી બહાર આવી. વિચારોને લીધે તેના કપાળ ઉપર પરસેવાનાં બૂંદ જામી ગયા હતા. એ નાનકડા રૂમાલથી તેણે લૂછયા. “જૂનાગઢ – બે” તેણે અવશપણે કેયુરને કહ્યું : “મેં તને સવારે જ કહ્યું હતું કે આપણે જૂનાગઢ જવાનું છે. તું ભૂલી ગયો ?”
“ઓહ્‌હ સોરી મમ્મા..” કેયુર “સોરી” ના ભાવ સાથે ટિકિટ લેવા ગયો અને સુજાતાની નજર આસપાસ ફરવા માંડી, થોડે દૂર એક બાંકડા ઉપર ન્યૂલી મેરિડ કપલ બેઠું હતું. જૂઇની કળી જેવી છોકરી હતી અને સૂરજમુખી જેવો છોકરો હતો. પ્રેમનો રસ અસ્ખલિત પણે એ બન્નેની મીઠીમીઠી નોંક-ઝોંકમાંથી ઢોળાતો હતો. પેલી જૂઇની કળી વારે ઘડીએ રિસાઇ જતી હતી અને તેનો વર તેને નાજૂકાઈથી મનાવી રહ્યો હતો. ખૂશ્બોદાર પરફયુમની સુગંધ તેના તરફથી વહી આવતી હવા લઇ આવતી હતી. છોકરી નમણી હતી, પુષ્ટ હતી અને કોઇ પુરૂષનું પડખું સેવવાથી છોકરીની સ્કીન ઉપર અનાધ્રાત પુષ્પ જેવી જે ગુલાબી સંચાર ફેલાય તેવી ગુલાબી તેના શરીરના અણુએ અણુમાં અને કણેકણમાં પ્રગટી ઉઠી હતી. સુજાતાએ પ્રલંબ નિઃશ્વાસ નાખ્યો. આસપાસમાં બીજા ગણ્યાં ગાંઠયા દસ બાર પેસેન્જરો હતા તે પૈકી ચારેક જેટલા બૂઝૂર્ગો સોમનાથ મહાદેવના દર્શને જવા નીકળ્યા હતા એમ તેમની વાતોમાંથી પ્રગટ થઇ રહ્યું હતું. કેયુર ટિકિટ લઇ આવ્યો. ‘સાચવીને પેન્ટના ખિસ્સામાં મૂકી દે.’ સુજાતાએ સૂચના આપી. “હા મમ્મી” બોલતો વળી પાછો ઊભો થયો અને સ્ટોલમાંથી વેફરના અને સીંગભજિયાના બે-ચાર પેકેટ લઇ આવ્યો. થોડીક મિનિટ પસાર થઇ કે લાઉડ સ્પિકરમાંથી જાહેરાત થઇ : “વેરાવળ તરફ જતી ટ્રેન આવી રહી છે ! ”
“છેલ્લે ડબે બેસવાનું છે બેટા…” એણે કેયુરને કહ્યું. માનસિક રીતે થોડો-ઘણો અણસમજુ કેયુર કશું સમજ્યો નહીં. ટ્રેન આવી પહોંચી. એ ટ્રેનના છેડા તરફ ઉતાવળે ચાલવા લાગી. કેયુર તેની પાછળ દોરવાયો. એ સાથે જ, ઘણે દૂર બેઠેલા એક પુરૂષે પણ ધીમે ધીમે છેલ્લા ડબા તરફ પગલાંની ગતિ વધારી અને ટિકિટબારી પાસે ઊભો રહ્યો “બોલો.” ટિકિટ કલેકટરે તેને પૂછયું : “કયાંની ટિકિટ આપુ ? “જેતલસર” તેણે કહ્યું. ત્યાં જ વ્હિસલ વાગી. પેલાએ કહ્યું : “ઉતાવળ રાખજા ટ્રેન ઉપડી જશે.. જવાબમાં ટિકિટ કલકેટર હસ્યો. ટ્રને હવળે હળવે પાટા ઉપર સરતી થઇ અને અચાનક ગતિ પકડી લીધી. પેલો દોડ્યો અને છેલ્લા ડબ્બે કૂદકો મારીને ચડી ગયો !

સમય : આઠને ત્રીસ જેટલો થયો હતો. જેતલસર રેલવે સ્ટેશનમાં ટ્રેન આવી ચૂકી હતી. સામે બેઠેલા એક બહેને સુજાતાને કહ્યું : અહીં લગભગ અડધી કલાકનો હોલ્ટ છે ! કેમ કે અહીંથી પોરબંદર તરફ જતી ટ્રેનનું કનેકશન મળે છે. તમારે ફ્રેશ થવું હોય તો…” કેયુર બારણામાં ઊભો હતો. સુજાતાએ તેને બોલાવ્યો. કેયુરને તો ટ્રેનની મુસાફરી કદાચ પહેલીવાર જ હતી. એટલે તે તો રેલવે સ્ટેશનની દુનિયા જાવામાં લીન થઇ ચૂક્યો હતો. “કેયુર…” સુજાતાએ તેને બીજીવાર બોલાવ્યો ત્યારે તે આવ્યો. “હું જરા ફ્રેશ થતી આવું… તું…” સુજાતાએ ઇશારો કરીને ઉપરની બર્થ ઉપર પડેલો થેલો તેને બતાવ્યો : અને ઊભી થઇ કહ્યું : “ તું ધ્યાન રાખજે…”
“હા ભઇ હા… હું અહીં જ ઊભો છું. તું ચિંતા ન કર.” કેયુરે કંટાળીને તેને કહ્યું. “થેલો સલામત જ છે. થેલાની ચિંતા ન કર.” કેયુર થેલાની સલામતી વિશે વધુ સ્પષ્ટતા કરવા લાગ્યો અને સામ-સામે બર્થ ઉપર બેઠેલા બીજા બધા પેસેન્જરો મા દીકરાની દલીલોને સાંભળવા લાગ્યા. સુજતાને કેયુરનાં ભોળપણ ઉપર ગુસ્સો ચડ્યો. એ બેસી જતા ગુસ્સે થઇ ગઇ : “હા… હા… તું દરવાજામાં જ ઊભો રહે. મમ્મીએ ચિંધેલું કોઇ કામ કરવાનું જ નહીં ? તારી જેવડા છોકરા જા… કેટલા હોશિયાર હોય ? “પ્રતિભાવમાં કેયુર પણ રીસાઇ ગયો અને કમ્પાર્ટમેન્ટની આડેના વિરૂધ્ધ દિશાના દરવાજે જતો રહ્યો. બારીમાંથી ફેરિયાઓ ફ્રુટ, ખારીસીંગ, ચણા મસાલાની બૂમો પાડતા હતા. પોરબંદર તરફ જતી ટ્રેનના મુસાફરોની આવન જાવન ફેરિયાઓના દેકારા પડકારા અને રેલવે સ્ટેશનના લાઉડ સ્પિકરમાંથી વારેઘડીએ થતી જાહેરાત…
સવારમાં ઉતાવળે ભાગેલી સુજાતાને સરખી રીતે ફ્રેશ થવાનોય મોકો મળ્યો ન હતો અને હવે જવું પડે એ જરૂરી હતું. એ ઊભી થઇ સામે બેઠેલા બહેનને થેલાનું ધ્યાન રાખવાનું કહીને એ વોશરૂમ તરફ ગઇ. અને આ તરફ એક કાળો થેલો લઇને એક માણસ જગ્યા શોધતો શોધતો છેલ્લા ડબા સુધી આવી પહોંચ્યો. કેયુરે એ માણસના હાથમાં રહેલો થેલો જાયો અને ચમકી ગયો અરે, આ થેલો તો અમારા થેલા જેવો જ થેલો છે..!” ચાર ડગલા છોડીને પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવ્યો, તો જાયું તો થેલો સુરક્ષીત જ હતો. પેલા સામે બેઠેલા બહેને તેને ટપાર્યો : “બેટા, તારી મમ્મી વોશરૂમ ગઇ છે. એ આવે નહીં ત્યાં સુધી તો અહીં બેસ !!” “હા આન્ટી…” કહી એ ડાહ્યો ડમરો થઇ બેસી ગયો. ત્યાં જ એક માણસ હડફડ હડફડ થતો અંદર આવ્યો અને મોટેથી બોલ્યો “ ટિકિટ જાઇ લ્યો, મેજીસ્ટ્રેટ ગેંગ આવે છે. બાજુના ડબ્બામાં જ છે ! મેજીસ્ટ્રેટ ગેંગ ? એ વળી કઇ ગેંગ ? વિચારતો હતો ત્યાં જ સુજાતા આવી તેને પૂછવા લાગી ઃ “ બેટા, ટિકિટ તો તારી પાસે જ છે ને ?” (ક્રમશઃ)