ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય લેવાયો છે. રાજ્યની જિલ્લા હોસ્પિટલ, પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં વધારો કરાયો છે. તેમજ સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજામાં વિઝીટીંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ વધારો કરાયો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ- સ્પેશ્યાલિસ્ટ ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ- સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. ૪,૨૦૦ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. ૩ હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. ૨ હજાર માનદ વેતન આપવામાં આવતું હતું.

વિઝીટિંગ એક્સપર્ટ, પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયન

પહેલા ૩,૦૦૦/-(પ્રતિ દિન રોજના લઘુત્તમ ૩ કલાકની સેવા ફરજિયાત)

હવે ૪૨૦૦/-(પ્રતિ દિન, તમામ પ્રકારના ખાનગી વિઝિટીંગ સ્પેશિયાલીસ્ટને) ક્રમ-૧ સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સ

પહેલા ૨,૦૦૦/-(પ્રતિ દિન રોજના લઘુત્તમ ૩ કલાકની સેવા ફરજિયાત) હવે ૪૨૦૦/-(પ્રતિ દિન, તમામ પ્રકારના ખાનગી વિઝિટીંગ સ્પેશિયાલીસ્ટને)

વિઝિંટીગ નોન સર્જીકલ સુપર સ્પેશિયાલીસ્ટ

પહેલા ૮૫૦૦/-(રોજના, ત્રણ કલાક ફરજિયાત)

હવે ૮૫૦૦/-(રોજના લઘુતમ ત્રણ કલાકની સેવા ફરજિયાત)

સર્જીકલ સુપર સ્પેશિયાલીસ્ટ તમામ તબીબો

પહેલા ૨૭૦૦/-(પ્રતિ ત્રણ કલાકના )

હવે ૮૫૦૦/-(રોજના લઘુતમ ત્રણ કલાકની સેવા ફરજિયાત )

વધુમાં તેમણે જણાવ્યુ કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજા, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજા સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને ૩ કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. ૮,૫૦૦ અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. ૨,૭૦૦ આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. ૮,૫૦૦ મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.