રાષ્ટ્રીય જનતા દળે આક્ષેપ મૂક્યો છે કે સીબીઆઈના અધિકારીઓએ રાબડીદેવીની પૂછપરછ દરમિયાન તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અને અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. રાબડીદેવી બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તથા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પત્ની છે.
સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવના ૧૫ સ્થળો પર દરોડા પાડ્યા તેમાં ૧૦ સરક્યુલર રોડ પર આવેલા રાબડીદેવીના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈએ ભ્રષ્ટાચારનો જે કેસ દાખલ કર્યો છે તેમાં રાબડીદેવીનું પણ નામ છે. લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલવે મંત્રી હતા ત્યારે તેમણે ભરતી કરવામાં ગેરરીતિ આચરી હોવાનો તેમના પર આક્ષેપ છે.
સીબીઆઈએ જે પોલીસ ફરિયાદ દાખલ કરી છે તેમાં ૧૭ આરોપીના નામ છે. તેમાં લાલુ અને રાબડી ઉપરાંત મીસા અને હેમા ભારતીના નામ પણ છે. આ મામલામાં રાબડીદેવીની ૧૨ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
આરજેડીના પ્રવક્તા ચિતરંજન ગગને કહ્યું કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ અને દેશભરમાં પાડવામાં આવી રહેલા દરોડા ભાજપ પ્રાયોજિત છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં આરજેડી, જેડીયુ અને બીજેપી વચ્ચે સત્તાની જબરદસ્ત ખેંચતાણ ચાલી રહી છે.