સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટિગેશનએ એનઆઇએ અધિકારીની ધરપકડ કરી છે. પટના એનઆઇએ યુનિટમાં તૈનાત નાયબ પોલીસ અધિક્ષક અને બે વચેટિયાની એક વ્યક્તિ પાસેથી ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી એનઆઇએ અધિકારીએ તેની સામે પેન્ડીગ કેસની તપાસ કરતા વ્યક્તિને બચાવવા માટે લાંચ લીધી હતી. તેમણે કહ્યું કે સીબીઆઈને રામૈયા કન્સ્ટ્રક્શનના માલિક રોકી યાદવ તરફથી ફરિયાદ મળી હતી કે નાયબ પોલીસ અધિક્ષક અજય પ્રતાપ સિંહ તેમના પરિવારને લાયસન્સ વિના ગેરકાયદેસર હથિયાર રાખવાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે એનઆઇએએ ૧૯ સપ્ટેમ્બરે યાદવના ઘરની તપાસ કરી હતી અને તેને ૨૬ સપ્ટેમ્બરે કેસના તપાસ અધિકારી સિંહ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. તેમણે કહ્યું કે અજય પ્રતાપ સિંહ પર યાદવને ધમકી આપવાનો અને તપાસના પરિણામો બચાવવા માટે ૨.૫ કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. એક અધિકારીએ જણાવ્યું કે રોકી યાદવ પોતાના પરિવારને ખોટા આરોપોથી બચાવવા માટે અજય પ્રતાપ સિંહને લાંચ આપવા માટે તૈયાર થયો હતો. આ મામલાની તપાસ દરમિયાન સીબીઆઇએ એનઆઇએ અધિકારીની લાંચ લેતા ધરપકડ કરી છે. હવે આરોપી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.