વ્યાપારિક સંવર્ધનની રીત: સીતાફળનું પ્રસર્જન બે રીતે થાય છે. (૧) બીજથી તથા (૧) કલમ બનાવીને. બીજથી પ્રસર્જન: સારા પરિપકવ ભરાવદાર પાકા ફળોમાંથી બીજ કાઢી, સૂકવી ભેજ રહિત જગ્યાએ રાખી ત્યારબાદ એપ્રિલ માસનાં ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં ગાદી કયારા કે સપાટ કયારા બનાવી અથવા નર્સરીમાં પ્લાસ્ટીકની થેલીઓ (૧૦ ટ ૧પ સે.મી.)માં ખાતર માટીનું મિશ્રણ ભરી બીજ રોપી રોપ ઉછેરવામાં આવે છે. જે ૨૦-૨૫ સેમીની ઉંચાઈના થતાં અને ચોમાસું બેસતા ખેતરમાં રોપવામાં આવે છે. આ ઉપરાંત સીધા બીજથી પણ વાવી શકાય જેથી રોપાના સેટી મૂળ જમીનમાં ઉડે સુધી જઈ શકે. કલમથી પ્રસર્જન: સીતાફળનું ખાસ કરીને આંખ કલમ, ભેટ કલમ તથા ફાચર કલમથી પ્રસર્જન થઈ શકે છે. કલમ રામફળ, લક્ષ્મણ ફળ કે સીતાફળનાં મૂલકાંડ પર કરી શકાય છે. માર્ચ એપ્રિલમાં ફાચર કલમથી પ્રસર્જન કરવાથી કળી વહેલી ફૂટે છે અને કલમની સફળતા પણ મળે છે તથા કલમની વૃધ્ધિ પણ સારી થાય છે. રોપણી વખતે સામાન્ય રીતે કલમથી પ્રસર્જન કરેલ કલમોની પસંદગી કરવી વધુ હિતાવહ છે. આ ઉપરાંત રોપાઓ પસંદ કરતા હોય ત્યારે જે તે જાતની ચકાસણી કરીને જ રોપા/કલમો પસંદ કરવા જાઈએ. ઘણી વખત જંગલખાતાની નર્સરીમાંથી રોપાઓ પસંદ કરી ઉપયોગ કરવામાં આવે છે જે યોગ્ય નથી. કારણ કે આવા રોપાઓ વનીકરણના ધ્યેય માટે બનાવેલ હોય જેની જાતની શુદ્ધતા હોતી નથી. રોપણી પધ્ધતિ: સીતાફળ પાકની રોપણી સામાન્ય રીતે ચોરસ પધ્ધતિથી પ ટ પ મીટર અથવા ૬ ટ ૬ મીટરનાં અંતરે કરી શકાય છે. સૂકા વિસ્તારમાં ૪ થી પ મીટર અંતર પણ રાખી શકાય છે. સીતાફળનાં વાવેતર માટે અંતર નકકી થયા પછી દરેક જગ્યાએ ૬૦ ટ ૬૦ ટ ૬૦ સે.મી. (લાંબા, ઉડા, પહોળા) ખાડા ખોદી ઉનાળામાં એક માસ સુધી તપવા દેવા. ત્યારબાદ ખાડા દીઠ ૧૦ કિલો સારૂં કહોવાયેલું છાણિયું ખાતર, માટી સાથે ભેળવી ખાડા ભરી દેવા. જા ભારે કાળી માટી હોય તો બે તગારા રેતી, નદીનો કાંપ ભેળવી ખાડા ભરવા. ચોમાસામાં સારો વરસાદ થયા બાદ ખાડાની બરાબર મધ્યમાં કલમ કે રોપનું વાવેતર કરવું. રોપેલ કલમ કે રોપ ટટ્ટાર ઉભો રહે તે માટે થડની આસપાસની માટી બરાબર દબાવવી અને કલમ કે રોપને લાકડાનો ટેકો આપી બાંધવી અને તૂરત જ પાણી આપવું. આ ઉપરાંત ચોમાસામાં અતિભારે વરસાદ હોય તો ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની પણ કાળજી રાખવી. ખાતર વ્યવસ્થા: સીતાફળનો પાક ખૂબ જ ખડતલ પ્રકારનો હોવાથી તેને ખાતરની ખાસ જરૂરિયાત નથી. પરંતુ વધારે અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા ચોમાસા પહેલા ઝાડ દીઠ ૧૦ થી ૧૫ કિલો છાણિયું ખાતર નાખવું. આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ નાઈટ્રોજન ૨૦૦ ગ્રામ, ફોસ્ફરસ ૧૦૦ ગ્રામ, પોટાશ ૫૦ ગ્રામ તેમજ એઝોટોબેકટર ફોસ્ફોબેકટર ૩૦ ગ્રામ ૧૫ કિલો છાણિયા ખાતરમાં મીક્ષ કરી ચોમાસુ બેસે ત્યારે આપવું. આ ઉપરાંત અન્ય એક ભલામણ મુજબ રાસાયણિક ખાતર ઘટાડી દિવેલીના ખોળનો ઉપયોગ કરવામાં આવે છે.
આંતરપાકો
સીતાફળનો પાક અન્ય ફળ પાકોની જેમ ૪ થી ૫ વર્ષે આવવાનો શરૂ થાય છે. એટલે કે શરૂઆતના વર્ષો દરમ્યાન સીતાફળના પાકમાં ઝાડ નાના હોય ત્યારે આંતરપાકો જેવા કે મરચા, ભીંડા, ચોળી વગેરે ટૂંકા ગાળાના પાક લઈ વધારાની આવક મેળવી શકાય છે. ફળો આવવાના શરૂ થયા બાદ ઝાડનો ઘેરાવો વધી જતો હોય તેમજ આંતરપાકની જરૂરિયાત તેમજ સીતાફળના પાકની જરૂરિયાત અલગ હોવાથી આંતરપાક લેવો હિતાવહ નથી.
કેળવણી અને છાંટણી
સીતાફળના વાવેતર બાદ શરૂઆતના વર્ષો દરમ્યાન ઝાડને વ્યવસ્થિત આકાર આપવા માટે કેળવણીની ખાસ જરૂરિયાત રહે છે. જેમાં તેનું થડ અંદાજે ૩ ફુટ થવા દેવું. એટલે કે જમીનથી ૩ ફુટ સુધીના થડ સુધી નીકળતી ડાળીઓ દર વર્ષે કાપતા રહેવું. ૩ ફુટ બાદ એક જ દિશામાં ન હોય તેવી ૩–૪ ડાળીઓનો જ વિકાસ થવા દેવો. જેથી ઝાડનો આકાર સારો થાય. આ ઉપરાંત દર વર્ષે પાણી પીલા તેમજ રોગિષ્ઠ અને સુકી ડાળીઓ કાઢતા રહેવું.
સીતાફળનો પાક પાનખર પ્રકારનો હોવાથી કુદરતી રીતે જ છાંટણી થઈ જાય છે. જેથી છાંટણી કરવાની બહુ જરૂર રહેતી નથી. આમ છતાં ગત ચોમાસા દરમ્યાનની વધારાની વૃદ્ધિ દૂર કરવા જરૂર જણાય તો હળવી છાંટણી કરવી. તેમજ થડની આજુબાજુની ફુટ અને પાણી પીલા કાઢતા રહેવું. જેથી ઝાડનો આકાર જળવાઈ રહે અને વિકાસ સારો થાય. સીતાફળનો પાક ખડતલ હોય અન્ય કાળજીની ખાસ જરૂરિયાત પડતી નથી પરંતુ વધારે વૃધ્ધિ અને ઉત્પાદન મેળવવા ઉનાળામાં સીતાફળનાં બગીચામાં આડી ઉભી ખેડ કરવી. ચોમાસામાં ખામણાં ચોખ્ખા રાખવા, ગોડ કરવો અને વધારાનાં પાણીનો નિકાલ કરવો. સુકા વિસ્તારમાં વરસાદ આધારીત સીતાફળમાં ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ઘઉંના પરાળનું આવરણ કરવું.