ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું ગયા
અઠવાડિયે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમની સાથે તેમના પત્ની સહિત ૧૩ લોકોનો જીવ ગયો હતો. બિપિન રાવત સહિત તમામ સૈન્ય કર્મીઓના મૃત્યુ પછી વીમા ક્લેમ કંપનીએ રેકોર્ડ ૩૦ મિનિટમાં પતાવટ કરી છે. કંપનીએ પરિવારજનોને વીમાની રકમ આપી છે.
વીમા કંપનીઓ ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સે બિપિન રાવત, બ્રિગેડિયર એલએસ લિદ્દર તથા અન્ય સાત ઓફિસરોના ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટ વીમા દાવાની ચુકવણી રેકોર્ડ ૩૦ મિનિટની અંદર કરી દીધી છે. યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર સત્યજિત ત્રિપાઠીએ જણાવ્યું કે ૧૦ ડિસેમ્બરના રોજ ન્યૂનતમ કાગળિયા કાર્યવાહી સાથે ચુકવણી કરવામાં આવી હતી. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સે જનરલ રાવત અને અન્ય સાત સંરક્ષણ કર્મચારીઓના અંગત અકસ્માત વીમા દાવાની ૩૦ મિનિટમાં પતાવટ કરી. તેવી જ રીતે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે બ્રિગેડિયર લિદ્દરને લગતી વીમાની રકમ એક કલાકની અંદર ચૂકવી દીધી, ત્યારબાદ રકમ પરિવારો સુધી પહોંચી.
સેન્યના તમામ અધિકારીઓને જીપીએ (ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટ) કવર મળે છે. સેનાના જવાનોનું વીમા કવર ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની તરફથી કરવામાં આવ્યું હતું. બંને કંપનીએ સંવેદનશીલતા અને સ્ફૂર્તિ બતાવતા વીમા દાવાની પતાવટ કરી છે.
દેશ માટે મહત્વપૂર્ણ ઓપરેશનને અંજામ આપનારા અને નેતૃત્વ કરનારા ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર બુધવાર, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં કુન્નૂર નજીક ક્રેશ થયું હતું. આ દર્દનાક અકસ્માતમાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની, જનરલ બિપિન રાવતના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર એલએસ લિદ્દર સહિત ૧૩ લોકો મૃત્યુ પામ્યા હતા.