સ્વચ્છ અને સુવ્યવસ્થિત મહા કુંભના વિઝન સાથે, નૈનીમાં રાજ્યનો પ્રથમ MSW બાયો-u-CNG પ્લાન્ટ કાર્યરત થવા માટે તૈયાર છે. મહા કુંભની તૈયારીઓનું આકલન કરવા મંગળવારે પ્રયાગરાજ પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાયો સીએનજી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું.
આ વિશેષ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બાયો પ્લાન્ટ સ્વચ્છ પ્રયાગરાજ – સુઆયોજિત મહાકુંભના સંકલ્પ તરફનો પ્રયાસ છે, જે મહાકુંભ પછી પણ પ્રયાગરાજ શહેર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રાજ્યમાં મ્યુનિસિપલ ઘન કચરા પર આધારિત આ પ્રથમ સીએનજી પ્લાન્ટે ૨૦૦ પરિવારોને રોજગારી પૂરી પાડી છે. પીપીપી મોડલ પર કાર્યરત આ પ્લાન્ટની સમીક્ષા કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ‘વેસ્ટ ટુ વેલ્થ’ની વિભાવનાને સાકાર કરતો આ પ્લાન્ટ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરએનજી (રિન્યુએબલ નેચરલ ગેસ) પ્રોજેક્ટ સાથે રૂપાંતરિત કરશે. બાયોગેસની પ્રક્રિયા કરવા માટે તે સૌથી અદ્યતન અને કાર્યક્ષમ સુવિધાઓમાંની એક છે. અધિકારીઓએ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ હેઠળ પ્રયાગરાજ શહેરમાં ઘરો, હોટલ, રેસ્ટોરાં અને મંદિરોમાંથી દરરોજ બનતા સરેરાશ ૨૦૦ ટન ભીના કચરામાંથી લગભગ ૨૧૫૦૦ કિલો બાયો-સીએનજી અને ૨૦૯ ટન જૈવિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે. પ્લાન્ટની કુલ ક્ષમતા ૩૪૩ ટન પ્રતિ દિવસ ઉત્પાદન છે. પ્લાન્ટ દરરોજ ૨૧.૫ ટન બાયો-સીએનજી સાથે ૧૦૯ ટન ઘન કાર્બનિક ખાતર અને ૧૦૦ ટન પ્રવાહી કાર્બનિક ખાતરનું ઉત્પાદન કરશે. તેનાથી વાર્ષિક કાર્બન ઉત્સર્જનમાં ૫૬૭૦૦ ટનનો ઘટાડો થશે.
એક દિવસની મુલાકાતે પ્રયાગરાજ પહોંચેલા મુખ્યમંત્રીએ ફાફામૌમાં ગંગા નદી પર નિર્માણાધીન છ લેન પુલના વિકલ્પ તરીકે બનાવવામાં આવી રહેલા સ્ટીલ બ્રિજનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતે મહાકુંભમાં આ સ્ટીલનો પુલ સંગમ સુધી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે પરિવહનનું સૌથી સરળ સાધન બની રહેશે. સ્ટીલ બ્રિજ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, અયોધ્યા, ગોરખપુર, લખનૌ, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનથી મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓના વાહનોને મોટી સુવિધા આપશે. તેમને શહેરમાં જવું પડશે નહીં. આ વાહનો ગંગાના કિનારે રિવર ફ્રન્ટ રોડથી સીધા જ મહાકુંભ મેળામાં પ્રવેશ કરી શકશે. ભારત સરકારના સૌજન્યથી બની રહેલા આ સ્ટીલ બ્રિજનું લોડ ટેસ્ટીંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. અંદાજે ૪૫૦ મીટર લાંબા ટુ-લેન સ્ટીલ બ્રિજમાં ૪૫૦૦ ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે ત્રણ કિમીનો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો છે.
અગાઉ, સ્નાનઘાટ પર તૈયારીઓનું પરીક્ષણ કરવા માટે, મુખ્યમંત્રીએ સંગમ એરાવત ઘાટ અને સંગમ નાક ઘાટનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક તીર્થયાત્રી સુરક્ષિત સ્નાન કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થાનો અભાવ ન હોવો જોઈએ. મહા કુંભને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી રાખવામાં આવી રહ્યો છે, કેરી બેગથી લઈને હો‹ડગ્સ અને બેનરો સુધી, ક્યાંય પણ પ્લાસ્ટિક નહીં હોય, બધું જ બાયોડિગ્રેડેબલ હશે. આ અંગે જાગૃતિ પણ વધારવી જોઈએ. ઘાટ વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓની મદદ માટે પાંચ હજાર કુંભ સેવા મિત્રોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમને યોગ્ય તાલીમ પણ આપવી જોઈએ. મુખ્યમંત્રીએ કિલ્લાની નજીક તૈયાર થઈ રહેલા વીઆઈપી ઘાટનું પણ નિરીક્ષણ કર્યું અને અહીંથી ત્રિવેણી સંગમ પહોંચ્યા અને સંગમ પૂજા કરી અને પછી બડે હનુમાનજીના દર્શન કર્યા.