પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં આગામી સમયમાં કોઈ પણ પ્રકારની માનવ સર્જિત કે કુદરતી આપત્તિની સ્થિતિને પહોંચી વળવાનું થાય ત્યારે નાગરિકોને મદદ મળી રહે તેવા હેતુથી નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) અંતર્ગત અમરેલી જિલ્લામાં સ્વયંસેવકોની તા.૧૭ થી તા.૨૦ મે, ૨૦૨૫ સુધી નોંધણી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને તાલુકા મામલતદાર કચેરી સાથે સંકલન કરી આ કામગીરી કરવા માટે નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલે દિશાનિર્દેશ આપ્યા છે. આ નોંધણી પ્રક્રિયા અંતર્ગત એન.સી.સી-એન.એસ.એસ, આપદા મિત્ર, તાલીમ ધરાવતા સ્વયંસેવકો, પોલીસ મિત્ર, એક્સ આર્મી મેન, ખાનગી સુરક્ષા કર્મચારીઓ અને એન.જી.ઓ., સ્વૈચ્છિક સ્વયંસેવકો તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં સેવા આપી શકે તેવા અન્ય તમામ અને શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ યુવા નાગરિકોનું સિવિલ ડિફેન્સમાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ઓછામાં ઓછું ધો.૦૪ પાસ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેવા નાગરિકોની સ્વયંસેવક તરીકે નોંધણી પ્રક્રિયા કરવામાં આવશે.