એક મોટા જંગલમાં ‘કિંગ’ નામનો એક સિંહ રહેતો હતો. કિંગ માત્ર શક્તિશાળી જ નહીં, પણ પૂરેપૂરો ટેક્નોસેવી હતો. હવે તે ટેકનોલોજીનો ઉપયોગ કરી આખાય જંગલ અને શિકાર પર નજર રાખતો હતો. તે જંગલમાં શિકાર કરવાને બદલે, તેની ગુફામાં બેસીને મોટા સ્ક્રીનવાળા ટેબ્લેટ પર જંગલનાં પ્રાણીઓ પર નજર રાખતો હતો.
કિંગે જંગલના અલગ-અલગ ખૂણાઓમાં વાઇલ્ડલાઇફ કૅમેરા ગોઠવ્યા હતા. જેની મદદથી તે ગુફામાં બેઠો બેઠો મોટી સ્ક્રીન પર લાઈવ જોઈ શકતો હતો.
જંગલમાં એક ‘રાકેટ’ નામનું સસલું પણ રહેતું હતું. રાકેટ દેખાવમાં ભલે નાનું હતું, પણ તેનું મગજ કમ્પ્યુટર કરતાં પણ તેજ ચાલતું હતું. રાકેટ જાણતું હતું કે કિંગ ટેક્નોલોજી પર બહુ નિર્ભર છે.
એક દિવસ કિંગને તેના ટેબ્લેટ પર દેખાયું કે રાકેટ એક તાજા ગાજરના ખેતર પાસે શાંતિથી ગાજર ખાઈ રહ્યું છે.
“આ શિકાર સરળતાથી ઝડપી શકાય તેમ છે,” કિંગે વિચાર્યું.
કિંગે ઝડપથી ટેબ્લેટ પર GPS જોયું અને રાકેટનું ચોક્કસ સ્થાન જાણ્યું. પછી તે ગુપ્ત રીતે રાકેટ તરફ આગળ વધ્યો. કિંગને એટલો આત્મવિશ્વાસ હતો કે તે સીધો શિકાર પાસે જ પહોંચી જશે.
પણ રાકેટ તો તેના કરતાં એક ડગલું આગળ હતું. રાકેટે કિંગના કૅમેરા નેટવર્ક વિશે પહેલાંથી જ જાણી લીધું હતું. તેણે એક યુક્તિ કરી.
જ્યાં ગાજરનું ખેતર હતું, ત્યાં રાકેટે પોતાના જેવા જ દેખાતા બે નકલી સસલાં ગોઠવી દીધાં. સાથે જ તેણે એક નાનું બ્લૂટૂથ સ્પીકર સંતાડી દીધું અને તેમાંથી તેના ચરવાનો અવાજ વગાડ્‌યો.
રાકેટ તો ખરેખર ત્યાંથી ઘણું દૂર હતું. તે ઝાડની પાછળ છુપાઈને, પોતાના મોબાઇલ ફોનમાંથી કિંગ શું કરે છે તે જોઈ રહ્યું હતું. કિંગ GPS મુજબ બરાબર જગ્યાએ પહોંચ્યો અને નકલી સસલાં પર છલાંગ મારી.
ધડામ!
કિંગ નીચે પડ્‌યો અને તેના હાથમાં રહેલું ટેબ્લેટ છૂટી ગયું. ત્યારે જ રાકેટ ઝાડ પાછળથી બહાર આવ્યું અને  હસતા-હસતા બોલ્યુંઃ
“કેમ છો, કિંગ? ટેક્નોલોજી સારી છે, પણ બુદ્ધિ એનાથી પણ વધુ સારી છે! તમારા GPS નેટવર્કને થોડું અપડેટ કરવાની જરૂર છે!” રાકેટ ગાજર લઈને કૂદતું-કૂદતું જતું રહ્યું અને કિંગ પોતાની વધારે પડતી ટેક્નોલોજી પર નિર્ભરતા પર પસ્તાવો કરવા લાગ્યો. તેને સમજાયું કે જંગલમાં સફળ થવા માટે માત્ર ગેજેટ્‌સ નહીં, પણ સજાગતા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા પણ જરૂરી છે. mo. ૯૦૯૯૧૭૨૧૭૭