તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં વેપારીઓએ વધારો ઝીંકી દીધો છે. સામાન્ય લોકો માટે તેલ હવે ઘી જેવું મોંઘું બની રહ્યું છે. તેલના ભાવ લોકોના ઘરના બજેટ બગાડી રહ્યાં છે. દિવાળી સુધી તેલના ભાવ આકાશે આંબી જશે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. લોકો હવે ગુજરાત સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે, આખરે ક્યાં સુધી આ મોંઘવારીનો માર લોકોને દઝાડશે. હજી ગત ત્રણ દિવસ પહેલા ૧૨ સપ્ટેમ્બરના રોજ તેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ત્યારે આજે ફરીથી રાજકોટમાં ખૂલતા બજારે તેલના ભાવમાં વધારો થયો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે કેટલો ભાવ વધારો થયો તે જાઈએ.
ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. પામતેલના ભાવમાં ૨૪૦ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૧૧૦ રૂપિયાનો વધારો થયો છે. તો સીંગતેલના ભાવમાં રૂપિયા ૪૦નો વધારો કરાયો છે. ૪૦ રૂપિયાનો વધારો થતા સિંગતેલનો ડબ્બાનો ભાવ ૨૬૪૫ રૂપિયાએ પહોંચ્યો છે. આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણાને લીધે થયો ધરખમ ભાવ વધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે.
ક્યારે કેટલો વધારો થયો
૧૨ સપ્ટેમ્બર – કપાસિયા તેલમાં ૭૮ રૂપિયા, પામોલીન તેલમાં ૬૦ રૂપિયા, રાયડાના તેલમાં ૫૦ રૂપિયા, કોપરેલમાં ૧૨૦ રૂપિયાનો ભાવ વધારો ,૭ સપ્ટેમ્બર – કપાસીયાના ભાવમાં ૭૦ રૂપિયાનો અને સીંગતેલના ભાવમાં ૬૦ રૂપિયાનો વધારો,૨૯ જુલાઈ – ૮૦ રૂપિયાનો વધારો ,૧૬ જુલાઈ – ૪૦ રૂપિયાનો વધારો,૪ જુલાઈ – ૭૦ રૂપિયાનો વધારો,૨૯ જુન – ૩૦ રૂપિયાનો વધારો,૫ મે- ૧૦ રૂપિયાનો વધારો થયો છે
અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનાથી સતત સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મે મહિનાથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગ્રાફ નીચે આવી નથી રહ્યો. તો બીજી તરફ, તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે તેવું જાણકારોનું કહેવું છે.