સાવરકુંડલામાં સાયબર ફ્રોડના નાણાંને સગેવગે કરવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓ જયંતીભાઈ મંગાભાઈ દાફડા (રહે.હાલ સાવરકુંડલા હાથસણી રોડ, નિર્મળનગર તા.સાવરકુંડલા રહે.મૂળ ગામ ઝર તા.ધારી) તથા શામજીભાઈ શેખા (રહે.ગોપાલગ્રામ) એ મળીને એક બેંક ખાતા (મ્યુલ એકાઉન્ટ નંબર ૪૪૪૦૬૬૯૬૯૮૫) નો ઉપયોગ કર્યો હતો. તારીખ ૦૩/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૧/૨૦૨૫ દરમિયાન, આ ખાતામાં UPI અને RTGS માધ્યમથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂ.૧૦,૯૩,૦૦૦/- (દસ લાખ ત્રાણું હજાર રૂપિયા) જમા થયા હતા. આરોપીઓ આ રકમ સાયબર ફ્રોડની છે તે જાણતા હોવા છતાં, પોતાના આર્થિક ફાયદા માટે આ નાણાં ઉપાડ્‌યા હતા. મુખ્ય આરોપી (આરોપી નંબર-૧) એ બીજા આરોપી (આરોપી નંબર-૨) ના કહેવાથી ચેક અને એ.ટી.એમ.નો ઉપયોગ કરીને ઉપલેટા, જી. રાજકોટ ખાતેથી આ રકમ ઉપાડી લીધી હતી અને તેને સગેવગે કરી દીધી હતી.
પોલીસે આ સમગ્ર કેસમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનારા અને છેતરપિંડીના નાણાંને ઉપાડી લેનારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.