રાજ્યને આગામી ૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક
કૃષિ આધારિત ગુજરાત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર પ્રયત્નો થઈ રહ્યા છે. આ અભિયાનને વેગ આપવા માટે અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક
કૃષિનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓને
પ્રાકૃતિક કૃષિના આ ભગીરથ કાર્યમાં જોડી અને તેમને રસાયણમુક્ત ખેતી સાથે જોડવા માટે જિલ્લાભરમાં પ્રાકૃતિક
કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે સરગવાની
પ્રાકૃતિક કૃષિ કરી અને તેના પાઉડરનું વેચાણ કરતા પ્રગતિશીલ ખેડૂત જગદીશભાઈ તળાવીયાના ખેતરની મુલાકાતે સાવરકુંડલાના સખી મંડળના બહેનો આવ્યા હતા. આ તાલીમ અંતર્ગત મહિલાઓને પ્રાકૃતિક
કૃષિ દ્વારા સરગવાની ખેતી અને તેના મૂલ્યવર્ધન અંગે માહિતી આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા એસપીએનએફ એસોસિએશનના જિલ્લા સંયોજક ભીખુભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીની માહિતી મળી શકે તેવા ઉદ્દેશ્યથી જિલ્લામાં ૨૧ સ્થાનો પર પ્રત્યેક ઠેકાણે ૩૦ મહિલાઓને એમ કુલ ૬૩૦ મહિલાઓને
પ્રાકૃતિક ખેતી અને તેના દ્વારા તૈયાર થતી બનાવટો અંગે ખેડૂતો પાસેથી તાલીમ આપવામાં આવી રહી છે.