સાવરકુંડલા રૂરલ પીઆઇ સામે જુગારીઓ પાસેથી કબજે કરેલ રકમમાંથી અડધાથી વધુ રકમ ચાંવ કરી જવા પંચનામામાં ઓછી રકમ દર્શાવતા તે પંચનામામાં સહી કરવાની ના પાડતા કેસમાં સંડોવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલો ભાવનગર રેન્જ ઓફિસના નાયબ પોલીસ મહાનિર્દેશક સુધી પહોંચ્યો છે.
સાવરકુંડલાના આંબરડીના જિજ્ઞેશભાઈ બગડા તથા સંજયભાઇ બગડા દ્વારા ભાવનગર કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, સાવરકુંડલા રૂરલ પોલીસે ૮ વ્યક્તિને જુગાર રમવાના આરોપસર પકડ્યા હતા. જેઓ તેમના સંબંધી હોવાથી જામીનની પ્રક્રિયા માટે પોલીસ મથકે ગયા હતા. જ્યાં પી.આઇ. વાઘેલાએ પોલીસ સ્ટેશનમાં આવી જામીન આપવાની પ્રક્રિયા કરવાને બદલે આ આઠ આરોપીઓ સહિત અન્ય આરોપીઓને જારદાર ફટકાથી મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં અમોને ચેમ્બરમાં બોલાવીને પંચનામામાં પંચો તરીકે સહી કરવા જણાવ્યું હતું. જે પંચનામામાં આરોપીઓ પાસેથી કબજે લીધેલ રકમ રૂ. ૩૧,૩૦૦ દર્શાવેલ હતી, જે હકીકતે બધા આરોપીઓ પાસેથી કબજે લીધેલ રકમ રૂ. ૭ર હજાર થાય છે. જેથી રૂ. ૪૦,૭૦૦ કરતા વધારે રકમનો તફાવત હોવાથી પંચનામામાં સહી કરવાની ના પાડતા પી.આઇ. દ્વારા ઉગ્રતાભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જેથી આ બાબતે તપાસ કરવામાં આવે તેવી આ રજૂઆતમાં માંગ કરવામાં આવી હતી.