સાવરકુંડલા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાની ફરિયાદ સ્થાનિક જાગૃત નાગરિક નિર્મળ વાટલિયા સહિતના ગ્રામજનોએ સત્તાધિશો સમક્ષ કરી હતી. તાલુકા પંચાયતમાં તાલુકા શિક્ષણાધિકારીને તેમણે જણાવેલ કે, ભમર ગામ સહિત અન્ય ગામોમાં શિક્ષકો તથા આચાર્યની અછતના લીધે વિદ્યાર્થીઓ સરકારી શાળા છોડી રહ્યા છે અને વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવે છે. સરકારી શાળામાં કમ્પ્યુટરના કે વ્યાયામ શિક્ષક પણ નથી. મુખ્ય વિષયોના શિક્ષકો અન્ય કામગીરીમાં વ્યસ્ત રહેતા શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયેલ છે. આ મુદ્દે શિક્ષણાધિકારી ખુદ સ્વીકારે છે કે તાલુકાની તમામ શાળાના મહેકમ પૈકી ૨૫ ટકા મહેકમ ખાલી છે તથા તાલુકાના ૮૫૦ના શિક્ષકોના મહેકમ પૈકી ૬૫૦ જ શિક્ષકો છે જ્યારે ૨૦૦ શિક્ષકોની ઘટ છે. આ સ્થિતિમાં ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવવામાં આવી છે. ગ્રામજનોએ આવનારા ૨૦ દિવસમાં ભમર ગામ તથા તાલુકાની તમામ શાળામાં યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી આપી હતી.






































