અમરેલી જિલ્લામાં રાની પશુઓના હુમલામાં નિર્દોષ નાગરિકોનાં મોત થઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને ખેતીકામમાં રોકાયેલા મજૂરોના બાળકો ભોગ બને છે. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામની સીમમાં એક દુઃખદ ઘટના બની, જેમાં એક ૭ વર્ષની બાળકી દીપડાના હુમલાનો ભોગ બની છે. આ ઘટના ગામના ખેડૂત વિપુલભાઈ સાવલિયાની વાડીમાં બની, જ્યાં મધ્યપ્રદેશના શેરુભાઈનો પરિવાર કપાસ વીણવાનું કામ કરી રહ્યો હતો. ત્યારે શેરુભાઈની ૭ વર્ષની દીકરી વાડીમાં હાજર હતી. અચાનક દીપડાએ બાળકી પર હુમલો કરીને તેને ઉઠાવી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક હિંમત બતાવી અને દીપડાના મુખમાંથી બાળકીને છોડાવવાનો પ્રયાસ કર્યો. જોકે, દીપડાના મુખમાંથી છૂટે તે પહેલાં જ ગંભીર ઇજાઓને કારણે બાળકી મૃત્યુ પામી હતી. દીપડો બાળકીને ઉઠાવી ગયો હતો અને તેનો શિકાર કર્યા બાદ મૃતદેહ છોડીને નાસી છૂટ્યો હતો. મૃતક બાળકીના મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે વન વિભાગની ગાડીમાં વંડા  સરકારી દવાખાને  ખસેડવામાં આવ્યો હતો.