અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા શહેરીજનોના માથાનાં દુઃખાવા સમાન અને વર્ષો જુનો પ્રશ્ન એટલે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ નીરાકરણ માટે અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાએ રેલવે અધિકારીઓ સાથે સાવરકુંડલા શહેરના વિવિધ રેલવે ફાટક તેમજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ તકે સાવરકુંડલા સ્થિત સાંસદ કાર્યાલય ખાતે શહેરીજનોની ઉપસ્થિતિમાં રેલવે અધિકારીઓ સાથે મિટિંગ યોજાયેલ હતી. જેમાં રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસદ, રેલવે અધિકારીઓ અને શહેર આગેવાનો દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલ અદ્યતન રેલવે સ્ટેશનની મુલાકાત લઈ ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતુંં. આ દરમ્યાન ખાટકી વાડા સામેના ભાગે આવેલ રેલવે સ્ટેશનની જમીન ખુલ્લી રહેતી હોવાની શહેરીજનો દ્વારા સ્થળ ઉપર રજૂઆત થતા સાંસદે આ સ્થળે કમ્પાઉન્ડ દિવાલ બનાવવા માટે ડીઆરએમને તાત્કાલીક સૂચના આપેલ હતી તેમજ શહેરના મધ્યમાં માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ગરનાળું ખુલ્લુ કરવા તથા જેસર રોડ ઉપર આવેલ બન્ને ગરનાળાની પહોળાઈ વધારવા તેમજ એલ.સી. નં. ૬૪ સી પાસે અન્ડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવાના કામે સર્વે કરાવી તાત્કાલીક મંજૂરી અર્થે સરકારમાં દરખાસ્ત કરવા સાસદે રેલવે અધિકારીઓને તાકીદ કરી હતી. નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.