અમરેલી જિલ્લાના બીજા મોટા શહેર એવા સાવરકુંડલામાં સીએનજી પંપની સુવિધા ન હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચતા મોટાભાગના ફોરવ્હીલર વાહનચાલકોએ પોતાના વાહનોમાં સીએનજી ગેસ કિટ ફીટ કરાવી છે પરંતુ સાવરકુંડલાના વાહનચાલકો માટે સીએનજી વાહન મુસીબત સાબિત થઈ રહ્યુ છે. કારણ કે, સાવરકુંડલા શહેરમાં સીએનજી પંપની સુવિધા જ ન હોવાથી વાહનચાલકોને સીએનજી માટે છેક સાવરકુંડલાથી ૩૦ કિ.મી. દુર આવેલા શેલણા ગામે જવુ પડે છે. આમ, જયારે સીએનજી વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે સાવરકુંડલામાં સીએનજી પંપ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.