ભારતમાં દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળામાં પણ ધામધૂમથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ છથી આઠની દરેક દીકરીઓએ જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગોનું પ્રદર્શન અને નિદર્શન કર્યું હતું. દીકરીઓ દ્વારા અલગ અલગ રંગોળીઓ
કરવામાં આવી હતી. વિજ્ઞાનને અંતર્ગત અને આ પ્રદર્શનને નિહાળવા માટે સાવરકુંડલાના ટીપીઓ સુભાષચંદ્ર ડાંગર અને માજી ટીપીઓ નરેન્દ્રભાઈ જોશીએ શાળાની મુલાકાત લીધી હતી. શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડ તેમજ સાયન્સ શિક્ષક અંકિતાબેન ઠુંમર, સંદીપભાઈ હરિયાણી અને ભૂમિકાબેન ગોસ્વામીએ બાળાઓને ખૂબ જ સારું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. નોંધનીય છે કે, આપણા ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે રમણ પ્રભાવ રામન ઇફેક્ટ શોધની ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ જાહેરાત કરી હતી. તેથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.