શિક્ષક દિવસની ઉજવણી સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૫માં એક અનોખા અંદાજમાં કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકોની ભૂમિકા નિભાવી, જેમાં તેમણે શાળાની તમામ વ્યવસ્થા સંભાળી. શાળાના આચાર્ય અભિષેકભાઈ પંડ્‌યાએ કાર્યક્રમની શરૂઆતમાં તમામ શૈક્ષણિક સ્ટાફ અને ભાગ લેનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ શાળાની દૈનિક પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું, જેમાં પ્રાર્થનાથી માંડીને વર્ગ વ્યવસ્થા, મધ્યાહ્ન ભોજન, વિશ્રાંતી અને રજાનો સમય સુધીની તમામ જવાબદારીઓ નિભાવી. આ વિશેષ દિવસે, વિદ્યાર્થી-શિક્ષકોએ આધુનિક શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાના સહપાઠીઓને અધ્યાપન કરાવ્યું. સ્માર્ટ પેનલ અને નવીનતમ શિક્ષણ સામગ્રીનો ઉપયોગ કરીને તેમણે રસપ્રદ અને જ્ઞાનવર્ધક વર્ગો લીધા, જેમાં વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું. સ્થાનિક પોલીસ સ્ટાફે શાળાની મુલાકાત લઈ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની કામગીરીનું સન્માન કર્યું. શાળાના શૈક્ષણિક સ્ટાફે આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું અને ડા. રાધાકૃષ્ણનના જીવન અને કાર્ય વિશે માહિતી આપી હતી.