બગસરાના વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં વિચરતી વિમુક્ત જાતિના સરાણીયા સમાજના લોકોનું વાલી સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સાવરકુંડલાના ભક્તિરામ બાપુએ જણાવેલ કે, સરાણીયા સમાજના લોકો સંગઠીત બની, સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસની દિશામાં આગળ વધે તેવી આજના સમયની માંગ છે. સમાજના બાળકોને શિક્ષિત અને સંસ્કારી બનાવવા માટે દરેક બાળકને ખાસ ભણાવવાની જરૂર છે. દેવચંદભાઈ સાવલીયાએ જણાવેલ કે, આજે પણ સાવરકુંડલામાં સરાણીયા સમાજના ૨૦૦થી વધુ બાળકો શાળાથી વંચિત છે, જે આપણા સૌ માટે ગંભીર બાબત છે, એ વિશે સમાજના આગેવાનો વિચારી યોગ્ય ઉકેલ લાવે. સમાજના લોકો બચત મંડળો દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બને તે વિશે દેવચંદ સાવલિયાએ માર્ગદર્શન આપ્યું હતું.