સાવરકુંડલા શહેરમાં વરસાદને કારણે ચાંદીપુરા વાયરસના ખતરા વચ્ચે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ નગરપાલિકા સમક્ષ તાત્કાલિક સફાઈ અભિયાન શરૂ કરવાની માંગ કરી છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે અને પાણી ભરાવાના કારણે ગંદકી ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિમાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ઈશ્વરભાઈ સિધ્ધપુરા, શહેર ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ યાદવ અને જિલ્લા લઘુમતી સેલના દિલાભાઈ ગોરીએ સંયુક્ત રીતે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે, પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય રોગ ફેલાવવાની શક્યતા છે જેથી શહેરના તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ કરવામાં આવે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે.