સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થતો નાવલી નદી પાસેનો માર્ગ કે જે આઇકોનીક માર્ગ તરીકે ઓળખાવાનો છે તેમાં હાલ રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરથી અમરેલી રોડ, ભુવા રોડ તરફ જતાં રસ્તા સુધી હાલ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલુ છે. છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હોવાથી રોડની એક સાઈડમાં ઠેર ઠેર ખોદકામ થઈ રહ્યું છે. ઊંડા ખોદકામ કરેલાં ખાડામાં ગટરના ભૂંગળા ફિટ કરવામાં આવી રહ્યા છે. જો કે આ સંદર્ભે રસ્તાની સાઈડમાં ઊંડું ખોદકામ કરતાં આ કમોસમી વરસાદને કારણે રસ્તા પર ખાડાઓમાં પાણી ભરાયા છે અને લગભગ દોઢ માથોડા ઊંડા આ ખાડા કે જ્યાં ગટરની કુંડીઓ બનાવવાની છે ત્યાં હાલ મોટા મોટા ખાડા ખુલ્લા છે. કમોસમી વરસાદને કારણે ખાડાઓમાં ધોવાણ પણ થઈ રહ્યું છે તેમ આસપાસના વેપારીઓનું કહેવું છે. પોતાની દુકાનને અડીને જ મોટા ખાડા હોય અમુક પાલાધારકોના પાલાને નુકસાન થવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી. સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતો આ માર્ગ હાલ ભૂગર્ભ ગટર યોજના ચાલુ હોય અહીં વેપાર કરતા વેપારીઓ અને ગ્રાહકો અને અહીંથી પસાર થતા રાહદારીઓ પણ પરેશાન છે.










































