સરકારી કામકાજમાં નિયમોનું પાલન કરાવવું હવે જોખમી બની રહ્યું હોય તેવો ઘાટ સાવરકુંડલામાં જોવા મળ્યો હતો. માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત)ની કચેરીમાં ફરજ બજાવતા એક રાજ્ય સેવકને ફોન પર બિભત્સ ગાળો આપી, ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે તુલેશભાઇ વિનુભાઇ પડસાલા (ઉ.વ.૩૭) એ લીલીયાના પીપળવા ગામના પરેશભાઇ પહાડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ સાવરકુંડલા ખાતે આવેલી માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત) ની ઓફિસમાં પોતાની ફરજ પર હાજર હતા. આ દરમિયાન આરોપીનો તેમના પર ફોન આવ્યો હતો. આરોપી લીલીયા તાલુકાના વિવિધ ગામડાઓમાં સરકારી બ્લોક, રોડ અને ભૂગર્ભ ગટર જેવા કામોના કોન્ટ્રાક્ટ ધરાવે છે. નિયમ મુજબ, આ સરકારી કામો પૂર્ણ થયા બાદ તેની ફાઈલો તાલુકા વિકાસ અધિકારી મારફતે ટેકનિકલ ચકાસણી માટે ફરિયાદી પાસે આવતી હોય છે. જોકે, આરોપી જે કામોની વાત કરતો હતો તેની ફાઈલો હજુ સુધી તેમની પાસે પહોંચી ન હતી. જ્યારે તેમણે આ અંગે સ્પષ્ટતા કરી કે તેમની પાસે હજુ કોઈ ફાઈલ આવી નથી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, આરોપીએ એવી પણ ધમકી આપી હતી કે, જો રસ્તામાં ક્યાંય પણ ભેગો થઈશ તો તને જોઈ લેવો છે. આમ, ગર્ભિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ સરકારી કર્મચારીની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે એલ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































