સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં ગઈકાલે વિપ્ર મહિલાની હિચકારી હત્યાનો બનાવ બનતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહિલાની હત્યાના સમાચાર મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જા કે બનાવમાં પુત્રવધૂ અને તેની માતાએ હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બીનાબેન પાઠક તેમના એકના એક પુત્ર વૈભવ સાથે રહેતા હતા. વૈભવ રાજુલા બેન્કમાં નોકરી કરતો હોવાથી ઘરે હાજર નહોતો ત્યારે વૈભવની પત્ની અને બીનાબેનની પુત્રવધૂ શ્વેતાએ અમદાવાદથી તેમની માતાને બોલાવ્યા હતા. જા કે તેમની માતા સોનલબેન શાસ્ત્રી અને બીના બંનેના મનમાં કંઈક અલગ જ કાવતરૂ રચાતુ હતું.ગત તા.૮ના રોજ રાત્રીના સમયે શ્વેતા અને તેમની માતા સોનલબેને બીનાબેનની આંખમાં મરચાની ભૂકી નાખી કટરથી માતા-પુત્રીએ બીનાબેનની ડોક અને માથાના ભાગે કટર ફેરવી નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પુત્ર વૈભવ નોકરી પરથી પરત આવતા તેમના પર મરચાની ભૂકી નાખી હત્યાનો પ્રયાસ કરતા વૈભવ નાસી ગયો હતો. પોતાની માતાની હત્યા થઈ હોવાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જા કે માતા-પુત્રીએ આ હત્યા તેના પુત્રએ કરી હોવાનું જણાવ્યુ હતું. પોલીસને શંકા જતા માતા-પુત્રીની કડક પૂછપરછ કરતા આ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે આરોપી પુત્રવધૂએ જણાવ્યું હતું કે લગ્નના થોડા સમયમાં જ સાસુ બીનાબેન સાથે ઝઘડા થતા હતા જેથી તેમણે અમદાવાદ રહેતા પોતાની માતાને બોલાવ્યા હતા અને હત્યાના ઈરાદે જ માતા સોનલબેન સાથે કટર લઈને આવ્યા હતા અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આમ, મહિલાની હત્યામાં પુત્રવધૂ અને વેવાણનો જ હાથ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.